- ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર
- બંન્ને દેશો વચ્ચે કરાર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટથી આપી માહિતી
સમગ્ર વિશ્વમાં અનેક દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પ્રથમ વખત બે દેશો વચ્ચે શાંતિને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કટ્ટર દુશ્મન ગણાતા ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ગુરુવારે ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. બન્ને દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા અદા કરનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
https://twitter.com/realDonaldTrump/status/1293976130416861184
આપને જણાવી દઇએ કે વર્ષ 1948માં સ્વતંત્રતા પછી ઇઝરાયલના કોઇ આરબ દેશ સાથે આ માત્ર ત્રીજો કરાર છે. આ પહેલા જોર્ડન અને મિસ્ત્ર સાથે ઇઝરાયલ કરાર કરી ચૂક્યું છે.
ઇઝરાયલ અને UAE વચ્ચે ઘણા વર્ષોથી બેક ડોર ડિપ્લોમેસી ચાલી રહી હતી. પણ હવે બન્ને દેશોએ સાર્વજનિક રીતે શાંતિ કરારની જાહેરાત કરી છે. આ કરાર કારગર સાબિત થઇ શકે છે. પેલેસ્ટાઇન તેનો વિરોધ કરી રહ્યું છે, જ્યારે ઘણા દેશ આ સમજૂતીથી ચોંકી ગયા છે. આ કરારથી ખાડી દેશો અને ઇઝરાયલ વચ્ચે તણાવમાં ઘટાડો થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણા મહિનાથી આ કરાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માટેની વાતચીતને પણ ગુપ્ત રાખવામાં આવી હતી. આ જ કારણ છે કે જ્યારે ગુરુવારે આ કરાર અંગેની જાહેરાત કરવામાં આવી તો અનેક દેશો ચોંકી ગયા હતા. તેનું કારણ પણ સ્પષ્ટ છે. ઇઝરાયલ અને આરબ અથવા ખાડી દેશોની દુશ્મની પણ એટલી જ ઐતિહાસિક છે, જેટલો આ કરાર. હવે ઇઝરાયલ અને યુએઇ એકબીજાના દેશમાં રાજકીય મિશન એટલે કે એમ્બેસી શરૂ કરી શકશે.
(સંકેત)