Site icon Revoi.in

ભારત આવતા ઇઝરાયલના જહાજ પર મિસાઇલ હુમલો, ઇરાને હુમલો કર્યો હોવાનો દાવો

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઇલ હુમલો થયો છે. ઇઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ  આ હુમલો ઇરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.

એક અહેવાલ અનુસાર આ જહાજ તાંઝાનિયાથી ભારત આવી રહ્યું હતું. આ હુમલાના કારણે જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું અને તે પોતાની યાત્રા ચાલું રાખી શકે છે. પોર્ટ સિટી હાએફા ખાતેનું એક્સટી મેનેજમેન્ટ આ જહાજનું માલિકત્વ ધરાવે છે. જો કે,  હજુ સુધી ઇઝરાયલના સરકારી અધિકારીઓએ આ હુમલા અંગે કોઇ ખુલાસો કર્યો નથી.

હુમલા બાદ તે જહાજ ખૂબ ધીમી ગતિએ ચાલું રહ્યું હતું પરંતુ 3 કલાક બાજ જહાજે પોતાની સામાન્ય સ્પીડ પકડી લીધી હતી. આપને જણાવી દઇએ કે, 1 મહિના પહેલા પણ ગલ્ફ ઑફ ઓમાનમાં આવા જ એક ઇઝરાયલી જહાજ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીએ એમવી હેલિયોસ નામના જહાજ પર થયેલા હુમલા માટે ઇઝારયલે ઇરાનને દોષિત ઠેરવ્યું હતું. જો કે, ઇરાને આ આરોપને ફગાવી દીધા હતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ઈઝરાયલના સંરક્ષણ મંત્રી બેની ગેન્ટ્સે કહ્યું હતું કે, જો ઈરાન પોતાની પરમાણુ હથિયારો બનાવવાની યોજના પર કામ ચાલુ રાખશે તો ઈઝરાયલ તેના પરમાણુ ક્ષેત્રો પર હુમલો કરશે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમનો દેશ પોતાના કોઈ સહયોગી દેશની મદદ વગર પણ ઈરાન પર હુમલો કરવાની તાકાત ધરાવે છે.

વળતા જવાબમાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર હાતમીએ કહ્યું હતું કે, જો ઈઝરાયલે હુમલો કરવાનું વિચાર્યું તો તેઓ તેલ અવીવ જેવા પ્રમુખ શહેરોને બરબાદ કરી દેશે.

(સંકેત)