USનું ઇઝરાયલને ફરી સમર્થન, કહ્યું – ઇઝરાયલનું અસ્તિત્વ કોઇપણ સ્થિતિમાં સ્વીકારવું જ પડશે
- ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષને લઇને બાઇડનનું નિવેદન
- ઇઝરાયલના અસ્તિત્વનો સ્વિકાર કરવો જ પડશે: જો બાઇડન
- અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી બે રાષ્ટ્રની નીતિને જ સમર્થન આપે છે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ દેશો દ્વારા પેલેસ્ટાઇનની તરફેણમાં અભિયાન ચલાવાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલ પ્રત્યેના સમર્થનની પ્રતિબદ્વતા ફરી દર્શાવી છે. જો બાઇડન અનુસાર મધ્ય-પૂર્વમાં ઇઝરાયલના અસ્તિત્વનો સ્વિકાર કરવો જ પડશે. ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં બે રાષ્ટ્રની નીતિને જ સમાધાનનો શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ-ઇન સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાઇડને કહ્યું હતું કે, અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી હજુ પણ ઇઝરાયલના જ સમર્થનમાં છે અને પાર્ટી બે રાષ્ટ્રની નીતિને સમર્થન આપે છે.
મધ્ય પૂર્વને લઈ અમેરિકાની નીતિમાં નાટકીય ફેરફારના વિશ્લેષણ અંગે બાઈડને કહ્યું કે, મેં પેલેસ્ટાઈન ઓથોરાઈઝેશનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને સ્પષ્ટ કહી દીધું હતું કે અમે વેસ્ટ બેંકમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરીશું.
વેસ્ટ બેંક માટે અમારી આર્થિક પ્રતિબદ્ધતાઓ પણ છે. બાઈડને ગાજા પુનર્નિર્માણ અંગે પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, તેઓ અન્ય દેશો સાથે મળીને કોઈ પેકેજ પર વિચાર કરી શકે છે.