Site icon Revoi.in

હવે પેલેસ્ટાઇનના સમર્થનમાં લેબેનોન ઉતર્યું, ઇઝરાયલ પર કર્યો રોકેટથી હુમલો, તણાવ વધવાની આશંકા

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ વધુ તેજ બની રહી છે. હવે આ બન્ને વચ્ચેના જંગમાં લેબનોનની એન્ટ્રીથી વિશ્વ યુદ્વની આશંકા પણ પ્રબળ બની છે. બુધવારે લેબનોને ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો હતો. જેની પ્રતિક્રિયા તરીકે ઇઝરાયલે પણ હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાયલી સેના અનુસાર લેબનોને ચાર રોકેટ ઇઝરાયલ તરફ છોડ્યા હતા.

લેબનોનમાં રહેલા સક્રિય આતંકીઓ ઇઝરાયલ પર થયેલા રોકેટ હુમલા માટે જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર રોકેટ દક્ષિણના કાલયાલેહ ગામથી છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ચાર રોકેટ લેબનોનના વિસ્તારમાં પડ્યા છે. લેબનોને જે રીતે રોકેટ હુમલા કર્યા છે તેનાથી તે આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે.

આપને જણાવી દઇએ કે લેબનોનનું આતંકી સંગઠન હિજબુલ્લાહ ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇન પર થયેલી એરસ્ટ્રાઇક અને અમેરિકાના ઇઝરાયલ સમર્થિત વલણથી ખૂબ જ નારાજ છે. કહેવામાં આવી રહ્યું છે આ સંગઠને રોકેટ હુમલાને અંજામ આપ્યો હશે. હવે સ્થિતિ એવી થઇ છે કે જો લેબનોનની સરકાર હિજબુલ્લા સંગઠન સામે કોઇ કાર્યવાહી નહીં કરે તો ઇઝરાયલ તેઓ વિરુદ્વ મોટું પગલું ભરવા માટે મજબૂર થશે અને તેમાં અમેરિકા પણ ઇઝરાયલને સમર્થન આપી શકે છે. બીજી તરફ તુર્કી સહિત તમામ મુસ્લિમ દેશો એકસૂરમાં ઇઝરાયલ વિરુદ્વ મોરચો ખોલી શકે છે.

નોંધનીય છે કે, ઇઝરાયલે પણ ગાઝામાં આવેલા આતંકીઓના રોકેટ લોન્ચ પેડ પર એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં 250 જેટલા કમાન્ડર માર્યા ગયા હોવાની આશંકા છે.