- જાપાનમાં ઓછા જન્મદરને કારણે યુવાઓની વસતીમાં સતત ઘટાડો
- આ જ કારણોસર સેનામાં ભરતી કરવા નથી મળી રહ્યા ઉમેદવારો
- સેનાને દર વર્ષે 14000 સૈનિકોની ભરતી કરવાની આવશ્યકતા પરંતુ આવું થઇ રહ્યું નથી
ટોક્યો: ચીનના ખતરા સામે હાલ જાપાન ઝઝુમી રહ્યું છે ત્યારે જાપાન માટે ઘર આંગણે જ એક નવી સમસ્યાનું સર્જન થયું છે અને તેના કારણે સેનામાં યુવાઓની ભરતી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
હકીકત એવી છે કે, જાપાન પોતાનું સૈન્ય બજેટ વધારી રહ્યું છે અને બજેટની દૃષ્ટિએ હવે અમેરિકા અને ચીન બાદ જાપાન ત્રીજા નંબરે છે પરંતુ જાપાનમાં ઓછા જન્મદરના કારણે ઘરડાઓની સંખ્યા વધી રહી હોવાથી તેની અસર સેનામાં સૈનિકોની ભરતી પર પડી રહી છે.
એક રિપોર્ટ અનુસાર જો જાપાનમાં યુગલોએ સંતાનને જન્મ આપવા પર ધ્યાન નહીં આપ્યું તો આગામી 20 વર્ષમાં અહીંયા 35 ટકા વસતી 80 વર્ષ કરતા વધારે ઉંમરાવાળા લોકોની હશે. આગામી પાંચ વર્ષોમાં જ જાપાનમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ 65 વર્ષ કરતાં વધારે વય ધરાવતી હશે.
તેની સીધી અસર વસતી પર પડશે અને વસતી ધીરે ધીરે ઓછી થતી જશે. આ જ સ્થિતિ રહી તો જાપાનની વસતી 50 વર્ષોમાં ઘટીને 8 કરોડ થઇ જશે અને 100 વર્ષમાં 4 કરોડ થઇ જશે. આ સંજોગોમાં ટેક્નોલોજી અને શિસ્ત મામલે સમગ્ર વિશ્વમાં આગળ જાપાન માટે કપરા સંજોગોનું સર્જન થશે. જેની અસર હાલ સેના પર દેખાઇ રહી છે.
એક રિપોર્ટ અનુસાર સેનાને દર વર્ષે 14000 સૈનિકોની ભરતી કરવાની આવશ્યકતા રહે છે પરંતુ આવું થઇ રહ્યું નથી. ખાસ કરીને 18 થી 26 વર્ષના યુવાઓ મળી રહ્યા નથી. એમ પણ જાપાનના લોકો ટેક્નોલોજી અને શિક્ષણ જેવા ક્ષેત્રને કામ કરવા માટે પ્રાધાન્ય આપે છે. જેના કારણે હાલમાં પણ સેનામાં નીચેની રેન્કની ભરતીમાં 26 ટકાનો ઘટાડો થઇ ગયો છે.
તેમાં હજુપણ વધારો થઇ શકે છે. કારણ કે વર્ષ 2028 સુધી જાપાનમાં 18 થી 26 વર્ષના લોકોની સંખ્યા ઘટીને 80 લાખ જ રહી જશે. આથી જાપાનને વર્ષે 14000 લોકોની સેનામાં ભરતી કરવાના પણ ફાંફા પડી રહ્યા છે. આ સંજોગોમાં લોકોને સેનામાં ભરતી થવા માટે અભિયાન ચલાવાઇ રહ્યું છે અને સાથોસાથ સેનામાં ભરતી માટેની વય 26થી વધારીને 32 વર્ષ કરવા માટે પણ ચર્ચા ચાલી રહી છે.
(સંકેત)