Site icon Revoi.in

અવકાશમાં માનવીનો જન્મ થશે અને ત્યાં વસાહતો પણ હશે: જેફ બેઝોસ

Social Share

નવી દિલ્હી: લોકોને અંતરિક્ષ પર વસવાટ માટે સપના દેખાડનાર અને અંતરિક્ષ પ્રત્યેની લોકોની ઉત્સુકતાને વધારનાર વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે હવે ભવિષ્યવાણી કરી છે. જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે, એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ નહીં, અવકાશમાં જન્મેલી વ્યક્તિ એવી જ રીતે પૃથ્વી પર રજાઓ ગાળવા આવશે જે રીતે આપણે પાર્કમાં જઇએ છીએ. નજીકના ભાવિમાં અવકાશમાં શહેરો વસશે.

વોશિંગ્ટનમાં યોજાયેલા એક કાર્યક્રમના ચર્ચા સત્ર દરમિયાન જેફ બેઝોસે કંપનીઓની યોજના, અવકાશ ક્ષેત્રે સંશોધન, પૃથ્વીના સંરક્ષણ માટેના ઉપાયો જેવા વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, અવકાશમાં તરતા ઘર હશે, જ્યાં પૃથ્વીનું હવામાન તેમજ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની નકલ કરાશે. આ તરતા ઘરોમાં 10 લાખ લોકો બેસી શકે છે અને ત્યાં વન્યજીવો પણ હશે.

બેઝોસે ઉમેર્યું હતું કે, ‘સદીઓ સુધી લોકો અવકાશમાં જન્મશે અને આ તેમનું પહેલું ઘર હશે. તેઓ આ અંતરિક્ષ વસાહતોમાં જન્મ લેશે, પછી તેઓ પૃથ્વીની યાત્રા પર જશે. આ કંઈક એ રીતે હશે જેવી રીતે આપણે યલોસ્ટોન નેશનલ પાર્કમાં રજા માણવા જઈએ છીએ તેના જેવું જ હશે. બેઝોસે જણાવ્યું કે જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના એક ભાષણમાં તેમણે પહેલીવાર અંતરિક્ષમાં વસાહતો સ્થાપિત કરવાની યોજના પર પોતાના વિચારો શેર કર્યા હતા.

બેઝોસે ઉમેર્યું હતું કે, જો આપણે મંગળને બદલીએ છીએ અથવા આના જેવું કોઇ કામ કરીએ છીએ તો ખૂબજ પડકારજનક સાબિત થશે અને બીજી પૃથ્વી બનાવવા જેવું હશે. પછી 10 થી 20 અબજ લોકો ત્યાં વસવાટ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની બહાર અંતરિક્ષમાં જીવનના વિકાસને લઇને બેઝોસ અને તેના હરીફ એવા એલન મસ્ક વચ્ચે વાકયુદ્વ ચાલી રહ્યું છે. એલોન મસ્ક બેઝોસને પછાડીને અત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.