- લદ્દાખ મોરચે નજર રાખનાર ચીની કમાન્ડરને પ્રમોશન
- રાષ્ટ્રપતિ જિનપિંગે કમાન્ડર જૂ કિલિંગને પ્રમોટ કર્યા
- જિનપિંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ છે
નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ યથાવત્ છે ત્યારે હવે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ચીનની આર્મીના વેસ્ટર્ન થિયેટરના કમાન્ડર જૂ કિલિંગને જનરલના પદ પર પ્રમોટ કર્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચીનની આર્મીનું વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ભારત સાથેની સરહદ પર નજર રાખે છે. લદ્દાખની પૂર્વ સીમા પર ભારત સાથે ચીનનો તણાવ વધેલો છે ત્યારે જિનપિંગે જૂ કિંલિંગને પ્રમોશન આપ્યું છે.
જિનપિંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ છે અને આર્મીના ઓવરઓલ હાઈ કમાન્ડ પણ છે. તેમણે 58 વર્ષીય જૂ કિલિંગને જનરલ પદ પર પ્રમોટ કર્યા છે. જે ચીનની સેનામાં સૌથી મોટી રેન્ક ગણાય છે. સરકારી ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે બીજા ચાર અધિકારીઓને પણ જનરલના પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા છે.
જૂ કિલિંગ ચીનની સેનાના ઉભરતા સિતારા ગણાય છે. આ પહેલા જૂ કિલિંગ લેફ્ટનન્ટ જનરલના પદ પર હતા. ગયા વર્ષે તેમને વેસ્ટર્ન થિયેટર કમાન્ડની જવાબદારી અપાઈ હતી.