- ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ રોડને કોરોનાનું ગ્રહણ લાગ્યું
- ચીનનું અર્થતંત્ર ભાંગી પડ્યું હોવાથી હવે આ પ્રોજેક્ટ બંધ થવાને આરે
- બેલ્ટ રોડ પ્રોજેક્ટને હવે નવી લોન અને રોકાણો મળે તેવી કોઇ શક્યતા નથી
નવી દિલ્હી: ચીનનો મહત્વાકાંક્ષી બેલ્ટ રોડ પ્રોજેક્ટ કે બેલ્ડ રોડ ઇનિશિએટિવને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાને કારણે ચીન અને અન્ય દેશોનું અર્થતંત્ર પ્રભાવિત થયું હોવાથી આ પ્રોજેક્ટ હવે બંધ થવાને આરે છે. બેલ્ટ રોડ પ્રોજેક્ટને હવે નવી લોન અને રોકાણો મળે તેવી કોઇ શક્યતા નથી.
તેથી હવે આ કામગીરી જે પરિસ્થિતિમાં હતી ત્યાં જ ઠપ છે. વર્ષ 2018માં આ પ્રોજેક્ટમાં 75 બિલિયન ડોલરનું રોકાણ હતું અને વર્ષ 2020માં આ રોકાણ 3 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. બેલ્ટ રોડ ઇનિશિએટિવ સાથે જોડાયેલા સંશોધકોના મત અનુસાર વર્ષ 2020માં ચીનને મળનારાં રોકાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે અને એક વર્ષમાં 54 ટકાનો ઘટાડો થયો છે.
મીડિયામાં પ્રસિદ્વ થયેલા અહેવાલો અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના ઇન્ટરનેશનલ ઇકોનોમિક અફેર ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ વાંગ શિયાલોંગે કહ્યું કે બેલ્ડ રોડ પ્રોજેક્ટના 20 ટકા કામકાજ ખૂબ જ વિપરિત અસર પડી છે અને પ્રોજેક્ટના 30 થી 40 ટકા ભાગ પર પ્રતિકૂળ અસર પડી છે. કોરોનાને કારણે ચીનની આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ થઇ ચૂકી છે.
2018માં બેલ્ટ રોડ પ્રોજેક્ટમાં રોકાણની પરિસ્થિતિ 75 બિલિયન ડૉલર હતી અને 2020માં આ રોકાણ 3 બિલિયન ડૉલર પર પહોંચી ગયું છે. આ ઉપરાંત આ યોજનામાં નાણાકીય ભ્રષ્ટાચારની પણ ઘણી આશંકાઓ વ્યક્ત થઇ રહી છે.
લોનની અયોગ્ય શરતો, નાણાકીય પારદર્શકતાનો અભાવ, દેવામાં ડૂબવાનો ડર તેમજ સામાજિક, આંતરરાષ્ટ્રીય અને પર્યાવરણીય સ્તરે નકારાત્મક અસરોના કારણે આ યોજનાનું સમગ્ર ભવિષ્ય અત્યારે ડામાડોળ છે.
(સંકેત)