Site icon Revoi.in

આ દેશ માટે અમેરિકા-રશિયા વચ્ચે ચાલી રહ્યો છે અણબનાવ, બાઇડને પુતિનને આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેનને લઇને તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે બંને દેશોના પ્રમુખોએ એકબીજા સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે ચાલેલી વાટાઘાટો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના સમકક્ષ વ્લાદિમીર પુતિનને કહ્યું કે તેઓ ચર્ચા વિચારણા ચાલુ રાખવાના પક્ષમાં છે. જો કે તેઓએ એ પણ ચેતવણી આપી છે કે, યુક્રેન વિરુદ્વ કોઇપણ ખોટું પગલું રશિયાનુ સંકટ વધારી શકે છે.

વાત એમ છે કે, યુક્રેનની સરહદ પર રશિયાના સૈનિકોના જમાવડાથી અમેરિકા નારાજ છે અને આ કારણે બંને દેશો વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે. ક્રેમલિનના સહોયગી યુરી ઉશાકોવે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના અમેરિકી સમકક્ષને ચેતવણી આપી છે કે, યુક્રેનના બહાને રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા તો બને દેશોના સંબંધો પર ખરાબ અસર પડી શકે છે.

યુરી ઉશાકોવે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમા કહ્યું કે, રશિયા પર પ્રતિબંધો લગાવવા એ મોટી ભૂલ હશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા આવું કઇ નહીં કરે.

આ બાજુ વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ  બાઈડેન અને પુતિન વચ્ચે થયેલી વાતચીત અંગે જાણકારી આપતા કહ્યું કે યુએસ પ્રેસિડેન્ટે રશિયાના રાષ્ટ્રપતિને કહ્યું કે જો યુક્રેન પર હુમલો થયો તો અમેરિકા અને તેના સહયોગી તેનો જોરદાર જવાબ આપશે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેને રશિયાને યુક્રેન સાથે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો. આ સાથે જ સ્પષ્ટ કર્યું કે જો રશિયા યુક્રેન પર હુમલા કરશે તો અમેરિકા અને તેના સહયોગી નિર્ણાયક જવાબ આપશે.