Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આ એક નિવેદનથી સમગ્ર વિશ્વ ચિંતિત

Social Share

નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના એક જ નિવેદને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. બાઇડને આપેલા આ નિવેદનથી અમેરિકા અને રશિયા ફરી એકવાર શીતયુદ્વ તરફ ધકેલાઇ શકે છે. રશિયાએ પણ બીજી તરફ આકરુ વલણ અપનાવ્યું છે.

એક ગુપ્તચર વિભાગના એક અહેવાલને ટાંકીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, હત્યારા વ્લાદિમીર પુતિને તેની આકરી કિંમત ચૂકવવી પડશે. તો બીજી તરફ શીતયુદ્વની શરૂઆત થઇ હોય એમ રશિયાએ પણ નમતુ ના જોખતા અમેરિકામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે.

અમેરિકી આંતરિક સુરક્ષા અને ન્યાય વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે રશિયા અને ઇરાને વર્ષ ૨૦૨૦માં યોજાયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને તેમના અધિકારીઓ વર્ષ ૨૦૨૦માં જો બાઇડેન વિષે ટ્રમ્પ વર્તુળના લોકો દ્વારા થતા રહેલા ગેરમાર્ગે દોરતા આક્ષેપોને આગળ પર વિસ્તારપૂર્વક વહેતા મૂકીને અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવા માંગતા હતા.

આ મામલે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વિવાદાસ્પદ બોલ બોલતા વ્લાદિમીર પુતિનને હત્યારા કહ્યાં હતા. બાઇડને કહ્યું હતું કે, પુતિનને તેની આકરી કિંમત ચૂકવવી પડશે. શું રશિયાના વિરોધી નેતા એલેક્સી નવેલની અને અન્ય રાજકીય પ્રતિદ્વંદીઓને ઝેર આપવાના આદેશનો આરોપ છે, તો પુતિન એક હત્યારા છે? જવાબમાં બાઇડને કહ્યું હતું, હા.

બીજી તરફ રશિયાએ પણ આક્રમક વલણ અપનાવ્યું હતું અને અમેરિકાને જવાબ આપતા પોતાના રાજદૂતને મોસ્કો પાછા બોલાવી લીધા છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વોશિંગ્ટનમાં રહેલા રશિયાના રાજદૂત એંટલી એંટોનોવને સલાહ માટે મોસ્ક આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે મોસ્કોએ એમ પણ કહ્યું હતું કે, રશિયા બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ કરવા નથી માંગતું.

(સંકેત)