- ટ્રમ્પના ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર બાયડન પ્રશાસનની રોક
- બાઇડેન વહીવટી તંત્રે ટીકટોક પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર સ્ટે મૂકી દીધો છે
- વાણિજ્ય વિભાગ ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક નિર્ણયોની સમીક્ષા કરી રહ્યું છે
વોશિંગ્ટન: અમેરિકામાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જો કે હવે બાઇડેનના સત્તા ગ્રહણ કર્યા બાદ બાઇડેન વહીવટી તંત્રે ટીકટોક પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર સ્ટે મૂકી દીધો છે. આ ઉપરાંત બાઇડેન પ્રશાસને ચાઇનિઝ મેસેજિંગ એપ વીચેટ પર પ્રતિબંધ મૂકવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોથી પોતાને અલગ કરી દીધું છે. વાણિજ્ય વિભાગ ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક નિર્ણયોની સમીક્ષા કરી રહ્યું છે. જેમાં ટીકટોક તેમજ વીચેટ જેવી મોબાઇલ એપ પર પ્રતિબંધનો પ્રસ્તાવ પણ સામેલ છે.
આપને જણાવી દઇએ કે ચાઇનીઝ મોબાઇલ એપ વીચેટ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પ વહીવટી તંત્રના નિર્ણયને અમેરિકન કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે આ નિર્ણય પર સ્ટે મૂકતા જણાવ્યું હતું કે આ પ્રતિબંધ યૂઝર્સના ફર્સ્ટ એમેન્ડમેન્ટ રાઇટ્સને અસર કરે છે.
અગાઉ ટિકટોક અને વીચેટ ચાઇનીઝ એપ્સ હોવાથી ટ્રમ્પ વહીવટી તંત્રે આ મોબાઇલ એપ્સને નિશાન બનાવી હતી. ટ્રમ્પ પ્રશાસને ચાઇનીઝ એપ્સ પર આરોપ મૂક્યો હતો કે તેનાથી અમેરિકાની સુરક્ષાને ખતરો છે. ટ્રમ્પ પ્રશાસને આરોપ મૂક્યો હતો કે આ મોબાઇલ એપ્સ યૂઝર્સની માહિતી ચીનની સરકારને શેર કરે છે.
જો કે બીજી તરફ અમેરિકાના આ આરોપને ચીને ફગાવી દીધા હતા અને પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે અમને માત્ર એ માટે નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે અમે ચીનની કંપનીઓ છે.
(સંકેત)