- પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે મુલાકાત
- આ દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય હોવાનું સ્વીકાર્યું
- આતંકવાદ સામે કડક એક્શન લેવા કરી માંગ
નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે ત્યારે પીએમ મોદીએ શુક્રવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો પર ચર્ચા કરી હતી. જેમાં અફઘાનિસ્તાનનો મુદ્દો પણ હતો. તે ઉપરાંત કમલા હેરિસે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.
પીએમ મોદી અને કમલા હેરિસ વચ્ચે અગાઉ ટેલિફોનિક વાતચીત થઇ હતી. શુક્રવારની બેઠકમાં ભારતમાં કોરોનાની પરિસ્થિતિ, રસીકરણ અને આરોગ્ય સંબંધિત સામાનની સપ્લાય અંગે ચર્ચાઓ થઇ હતી. કમલા હેરિસે આ દરમિયાન ભારતના રસી પુરવઠાને ફરી શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.
તે ઉપરાંત ભારત દ્વારા ક્લાઇમેટ ચેન્જને લઇને ઉઠાવવામાં આવી રહેલા પગલાં વિશે પીએમ મોદીએ જણાવ્યું હતું. જેમાં નેશનલ હાઇડ્રોજન મિશન પણ સામેલ છે. બંને નેતાઓએ હેલ્થકેર અને આઇટી સેક્ટરમાં ભવિષ્યના સહયોગને લઇને વાતચીત કરી હતી.
કમલા હેરિસે આ બેઠક દરમિયાન આતંકવાદને લઇને પાકિસ્તાનની ભૂમિકાને લઇને પણ વાત કરી હતી અને એક્શન લેવાની માંગ કરી હતી. કમલા હેરિસે માન્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય છે અને ઇસ્લામાબાદને તેમના વિરુદ્વ પગલાં લેવા જ પડશે તેવું પણ કમલા હેરિસે સૂચન કર્યું હતું. વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આ જાણકારી આપી હતી.