Site icon Revoi.in

મળો વિશ્વની સૌથી મજબૂત બાળકીને, માત્ર 7 વર્ષની ઉંમરમાં ઉઠાવે છે ભારે-ભરખમ વજન

Social Share

ટોરોન્ટો: અત્યારસુધી તમે મોટી મોટી સ્પર્ધાઓમાં સેકંડો કિલો વજન ઉંચકતા વેઇટ લિફ્ટિંગ કરનારાઓને જોયા હશે પરંતુ કેનેડાની સાત વર્ષની બાળકીએ આ તમામને પાછળ છોડી દીધા છે. વેઇટ લિફ્ટિંગની દુનિયામાં સેન્સેશન બની ચૂકેલી કેનેડાની રોરી વેન અત્યારથી જ 80 કિલો વજન ઉંચકે છે. જ્યારે સ્નેચમાં તે 32 કિલો અને ક્લિન જર્ક કેટેગરીમાં 42 કિલો વજન આસાનીથી ઉઠાવી લે છે.

રોરીની ઊંચાઇ ચાર ફૂટ છે. તેણે પોતાના પાંચમા જન્મ દિવસથી વેઇટ લિફ્ટિંગ શરુ કર્યું હતું. ગત સપ્તાહે તેણે અન્ડર 11 અને અન્ડર 13 નેશનલ ચેમ્પિયનશિપમાં અમેરિકામાં ભાગ લીધો હતો. કેનેડામાં નાની વયના લોકો માટે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા નહીં હોવાથી રોરી અમેરિકામાં યોજાતી સ્પર્ધામાં ભાગ લે છે. તે અમેરિકાની સૌથી ઓછી વયની રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

રોરીની આ સિદ્વિ અંગે તેના પિતા કહે છે કે રોરી વિશ્વની સૌથી મજબૂત બાળકી હોવાની શક્યતા છે. બીજી તરફ રોરી કહે છે કે, મને મજબૂત અને ફિટ રહેવાનું ગમે છે અને તેના કારણે વધારે વજન ઉંચકવાની પ્રેરણા પણ મળે છે. હું વિચારતી નથી કે પહેલા શું થયું હતું અને હવે શું થવાનું છે. મગજ સ્પષ્ટ રાખીને બસ વેઇટ લિફ્ટિંગ પર ધ્યાન આપું છું. રોરી રોજ વેઇટ લિફ્ટિંગ પાછળ ચાર કલાકનો સમય પસાર કરે છે. દર સપ્તાહે તે 9 કલાકની બીજી તાલીમ પણ લે છે.

(સંકેત)