નવી દિલ્હી: PNB સ્કેમના મુખ્ય આરોપી એવા ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો થયો છે. હાલમાં ચોક્સીના કેસની સુનાવણી ડોમિનિકન કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, મેહુલ ચોક્સીની અરજી માન્ય નથી અને કોર્ટે તેની સુનાવણી ના કરવી જોઇએ. સરકારે ભારતને સમર્થન આપ્યુ હતું કે, ચોક્સીને પ્રત્યાર્પણ કરાવવું જોઇએ.
આપને જણાવી દઇએ કે 25મેના રોજ તેની ડોમિનિકાથી ધરપકડ કરાઇ હતી. ડોમિનિકાની કોર્ટ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારા ચોક્સી અંગે નિર્ણય કરશે, પછી ભલે તેને ભારતને સોંપવામાં આવે કે પછી એન્ટિગુઆમાં મોકલવામાં આવે.
ડોમિનિકાના વિપક્ષી નેતા લેનેક્સ લિંટન ઉપર ચોક્સીના ભાઈ ચેતન દ્વારા લાંચ આપવાનો આરોપ છે. તેમના પર દેશની સંસદમાં આ મુદ્દાને દબાવવામાં મદદ કરવાનો આરોપ છે. તે જ સમયે ચોક્સીના વકીલોનું કહેવું છે કે અહીં કેસ ચોકસીને ગેરકાયદેસર રીતે અપહરણ કરવાનો છે, પ્રત્યાર્પણ નહીં. તેઓએ એવો દાવો પણ કર્યો છે કે ચોક્સી ભારતનો નાગરિક નથી, તેથી આ કિસ્સામાં ભારત કોઈ પક્ષ નથી. ચોક્સી પર ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશવાનો પણ આરોપ છે.
ડોમિનિકામાં વિરોધી પક્ષ દબાણ કરી રહ્યો છે કે ચોક્સીને એન્ટિગુઆમાં દેશનિકાલ કરવામાં આવે, જ્યારે એન્ટિગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને દાવો કર્યો છે કે ચોક્સી હજી પણ ભારતીય નાગરિક છે. તેમનું કહેવું છે કે ચોક્સીને તેની નાગરિકતા ન આપવા માટે એન્ટિગુઆ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, જેના પર તેણે સ્ટે આપ્યો હતો. ગેસ્ટનની આ દલીલ ભારતીય એજન્સીઓ માટે ઉપયોગી થઈ શકે છે.
સૂત્રોનુસાર, ઇડી ડોમિનિકાની કોર્ટમાં એક અલગ અરજી ફાઇલ કરશે. તેમાં તેના અપરાધ અને ભારત પ્રત્યાર્પણ માટે જરૂરી દલીલો હશે. ચોક્સી વિરુદ્વ રેડ કોર્નર નોટિસ આપવામાં આવી છે.