Site icon Revoi.in

ભાગેડૂ વેપારી મેહુલ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ મુશ્કેલ બન્યું, ડોમિનિકન કોર્ટે ચોક્સીને આપ્યા જામીન

Social Share

નવી દિલ્હી: ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીને મોટી રાહત મળી છે. ડૉમિનિકન કોર્ટે મેહુલ ચોક્સીને મેડિકલ સારવારના આધારે જામીન આપ્યા છે. તે ઉપરાંત મેહુલ ચોક્સીને એન્ટિગુઆ તેમજ બરમુડા જવાની પણ મંજૂરી મળી ગઇ છે. આપને જણાવી દઇએ કે બે મહિના અગાઉ મેહુલ ચોક્સીની ડૉમિનિકાથી ધરપકડ કરવામાં આવી હતી. આ સમયથી ભારતીય એજન્સીઓને તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસરત હતી.

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, મેહુલ ચોક્સી વિરુદ્વ ડોમિનિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાને લઇને જે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી તેને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. આ સાથે જ ભારત પરત લાવવા માટે પ્રત્યાર્પણની સુનાવણી પણ ટાળી દેવામાં આવી છે.

ન્યૂરોલોજી સંબંધિત સારવાર માટે મેહુલ ચોક્સીને એન્ટિગુઆ મોકલવામાં આવી રહ્યો છે. મેહુલ ચોક્સીએ કોર્ટમાં એપ્લિકેશન દાખલ કરી હતી અને કહ્યું હતું કે, તેની તબિયત ઝડપથી લથડી રહી છે. મેહુલ ચોક્સીએ સારવાર અર્થે એન્ટિગુઆમાં પોતાના ફિઝિશિયન તાત્કાલિક સારવારની જરૂરિયાત રજૂ કરી હતી. કોર્ટે તેને શરતી જામીન આપ્યાં છે. ચોક્સી એન્ટિગુઆનું પોતાનું સંપૂર્ણ સરનામું કોર્ટને આપશે અને 10 હજાર ડૉલર દંડ પેટે ભરશે.

કોર્ટના નિર્ણયની સાથે ભારતીય એજન્સીઓ માટે મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, મેહુલ ચોક્સી ખુદ એન્ટિગુઆનો નાગરિક છે અને એન્ટિગુઆની સાથે ભારત પ્રત્યર્પણને લઈને સંધિ નથી.