- પુરુષપ્રધાન સમાજ વચ્ચે આફ્રિકા દેશમાં એક એવું ગામ જ્યાં માત્ર સ્ત્રીઓ વસે છે
- આ ગામમાં માત્રને માત્ર સ્ત્રીઓનું જ આધિપત્ય છે
- અહીંયા પુરુષોના પ્રવેશ પર છે પાબંધી
નવી દિલ્હી: પુરુષ પ્રધાન સમાજ વચ્ચે આફ્રિકા દેશમાં એક એવું ગામ પણ છે જ્યાં માત્રને માત્ર સ્ત્રીઓનું જ આધિપત્ય છે.
પુરુષપ્રધાન સમાજમાં આ પ્રકારના ગામની કલ્પના આમ તો ના થઇ શકે પરંતુ આ હકીકત છે. ઉમાજો નામના ગામમાં પુરુષોના પ્રવેશ પર પાબંધી છે. અહીંયા એક ડઝન જેટલા પરિવારો વસવાટ કરે છે પરંતુ તે તમામ સ્ત્રીઓ છે અને પુરુષ એક પણ નથી. અંદાજે 31 વર્ષ પહેલા 15 મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી.
ઉત્તરી કેન્યાની મહિલા જેન નોલમોંગન પર એક બ્રિટિશ સૈનિકે દુષ્કર્મ કર્યું હતું અને આ વાતની ખબર પડ્યા બાદ મહિલાને તેના પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી. એ પછી તે બાળકો સાથે ઉમાજો ગામમાં પહોંચી હતી. જ્યાં કોઇ પુરુષ જઇ શકતો નથી.
હવે આ મહિલા જે ખેતરમાં ખેતી કરી રહી છે તે જમીન તેના નામે થવા જઈ રહી છે.કેન્યામાં 98 ટકા જમીન માત્ર પુરુષોના નામે છે.જોકે હવે ઉમાજો ગામમાં જેન નેલમોંગનના નામે જમીન થવા જઈ રહી છે અને તેનાથી બીજી મહિલાઓના જમીનના માલિક બનવાના રસ્તા પણ ખુલશે.
અહીંયા જેટલી પણ મહિલાઓ રહે છે તેમાંથી મોટા ભાગની ઘરેથી કાઢી મૂકાયેલી, યૌન ઉત્પિડનનો ભોગ બનેલી અથવા સંપત્તિમાંથી બેદખલ થયેલી મહિલાઓ છે. બાળ વિવાહ ના થાય તે માટે ભાગેલી મહિલાઓ પણ અહીંયા આવીને વસવાટ કરે છે. ઉમાજોનો અર્થ સ્થાનિક ભાષામાં એકતા એવો થાય છે. અહીંયા ગામ વસાવવાની શરૂઆત રેબેકા લોલોસોલી નામની મહિલાએ કરી હતી. જેણે મહિલાઓની સુન્નત કરવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેના પર પુરુષોએ હુમલો કર્યો હતો.
ઘાયલ અવસ્થામાં સારવાર લેતી વખતે રેબેકાને આ ગામ વસાવવાનો વિચાર આવ્યો હતો.આ ગામ આજે હકીકત બની ચુક્યુ છે.અહીંયા મકાનો અને સ્કૂલનુ નિર્માણ પણ મહિલાઓએ જ કર્યુ છે.
(સંકેત)