- ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટૉક પર પ્રતિબંધની તૈયારી
- આ વચ્ચે માઇક્રોસોફ્ટ ટિકટૉકનો અમેરિકન બિઝનેસ ખરીદી શકે
- આ માટેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે
ભારતમાં પ્રતિબંધ બાદ ચીનની મ્યૂઝિક એપ ટિકટોક પર અમેરિકામાં પણ પ્રતિબંધ લાગી શકે છે. પ્રતિબંધની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે ત્યારે ટિકટોકના વેચાવા અંગેના સમાચાર આવી રહ્યા છે. રોઇટર્સ અનુસાર ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટ ટિકટોકનો અમેરિકાનો બિઝનેસ ખરીદે તેવી શક્યતા છે. આ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટ કંપની ટિકટૉકના અમેરિકન બિઝનેસને ખરીદવા માટે ખૂબ આગળ વધી ગઇ છે. આ સોદો અબજો ડોલરમાં થઇ શકે છે. સોમવાર સુધી આ સોદો પૂર્ણ થઇ શકે છે. સોદો માટેની વાતચીતમાં માઇક્રોસોફ્ટ, બાઇટડાન્સ અને વ્હાઇટ હાઉસના પ્રતિનિધિ સામેલ થઇ શકે છે. વાતચીતમાં કઇ પણ શક્ય છે, સોદો ન થાય તેવું પણ બને. ટિકટોકનું માલિકત્વ ચીનની બાઇટડાન્સ કંપની ધરાવે છે.
નોંધનીય છે કે ભારત પછી હવે અમેરિકામાં પણ ટિકટૉક પર ગમે ત્યારે પ્રતિબંધ લાગી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની એપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેઓ અનેક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.
(સંકેત)