- ઇન્ટરનેશનલ લેબર ફોર્સના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી પ્રકાશિત
- કોરોના મહામારીને લીધે સૌથી કફોડી હાલત શ્રમિકોની થઇ હતી
- સમગ્ર વિશ્વમાં ભારતમાં મજૂરીનો દર સૌથી ઓછો: રિપોર્ટ
નવી દિલ્હી: કોરોના મહામારીને પગલે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકોની થઇ હતી એવું એક ગ્લોબલ રિપોર્ટમાં જણાવાયું હતું. યુનો સાથે સંલગ્ન ઇન્ટરનેશનલ લેબર ફોર્સના તાજેતરના રિપોર્ટમાં આ હકીકત પ્રકાશિત કરવામાં આવી છે.
આ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે પાકિસ્તાન અને નેપાળ જેવા કંગાળ દેશો કરતાં પણ ભારતમાં રોજમદારોની લઘુત્તમ આવક ઓછી હતી. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે ભારતમાં પહેલા અને બીજા લૉકડાઉન દરમિયાન લાખો રોજમદાર મજૂરોને એક પણ પૈસો વળતરરૂપે મળ્યો નહોતો. અંદાજે 40 દિવસના તબક્કાવાર લૉકડાઉન દરમિયાન રોજમદાર મજૂરોના પગારમાં સાડા બાવીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમની તુલનાએ સંગઠિત ક્ષેત્રોના શ્રમિકોની આવકમાં માત્ર સાડા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ભારતના શ્રમિકોના વેતનનો ક્યાસ કાઢવા ILOએ પોતાના ગ્લોબલ વેજ રિપોર્ટ 2021માં મિડિયન વેલ્યુને સ્થાન આપ્યું હતું. વિશ્વભરના મોટા ભાગના દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વેતન દર હોય છે. ભારતમાં લઘુત્તમ વેતનદર દિવસના 176 રૂપિયા તમામ ક્ષેત્રોમાં લાગુ પડાયા હતા એટલે દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ખૂબ ઓછું મળતું હતું એવો ILOનો અભિપ્રાય હતો.
નોંધનીય છે કે મોટા ભાગના દેશોમાં શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂપિયા 9,720 મળે છે ત્યારે ભારતના મજૂરોને માસિક વેતન રૂપિયા 4300 મળતા હતા. ભારતની સરખામણીએ કંગાળ ગણાતા એવા પાકિસ્તાન, નેપાળ અને ચીનમાં અનુક્રમે મજૂરોને મહિને રૂ.9820, 7920 અને 7060 રૂપિયા મળતા હતા.
(સંકેત)