- વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું
- મૂડીઝે બ્રિટનનું રેટિંગ ‘Aa2’ થી ડાઉનગ્રેડ કરીને ‘Aa3’ કર્યું
- બ્રિટનનું જાહેર દેવું વધીને 2 લાખ કરોડ પાઉન્ડને સ્પર્શી ગયું છે
લંડન: બ્રિટન અત્યારે મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ જોવા મળી રહ્યું છે, બ્રેક્ઝિટની સમસ્યા પ્રવર્તિત છે અને બીજી તરફ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનની સરકાર તરફથી બજેટની યોજનાઓનો અભાવ છે. આ જ બધા કારણોસર વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનનું ડેટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે.
મૂડીઝે બ્રિટનનું રેટિંગ ‘Aa2’ થી ડાઉનગ્રેડ કરીને ‘Aa3’ કર્યું છે જે બેલ્જિયમ અને ઝેક રિપબ્લિકની સમકક્ષ છે.
આપને જણાવી દઇએ કે વિશ્વની છઠ્ઠા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને G-7 ગ્રૂપના સભ્ય બ્રિટનનો આર્થિક વિકાસદર બીજા ત્રિમાસિક ગાળામાં ઘટ્યો હતો અને તેનું જાહેર દેવું વધીને 2 લાખ કરોડ પાઉન્ડને સ્પર્શી ગયું છે જે તેની કુલ GDPના 100 ટકાથી વધુ છે.
મૂડીઝે બ્રિટનના અર્થતંત્ર વિશે જણાવ્યું હતું કે બ્રિટનની વૃદ્વિ ધારણા કરતાં અર્થપૂર્ણ રીતે નબળી રહી હતી અને ભવિષ્યમાં પણ આવું જ રહેવાની સંભાવના છે.
બ્રિટનમાં કોરોના વાયરસના વ્યાપક સંક્રમણને કારણે જી-20 સભ્યો દેશોની તુલનાએ સૌથી વધારે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
રેટિંગ ડાઉનગ્રેડ એ બ્રિટનના પીએમ જ્હોન્સન માટે બીજો ફટકો હતો જે તેની કન્ઝર્વેટીવ પાર્ટીમાં વિરોધી પક્ષો અને ધારાસભ્યો દ્વારા દબાણ હેઠળ છે. જેણે મહામારીનો મુદ્દો ચગાવ્યો છે, જેના કારણે બ્રિટનમાં યુરોપ કરતાં પણ વધુ લોકોના મોત નિપજ્યા છે.
મૂડીઝે વધુમાં ઉમેર્યું હતું કે યુરોપિયન યુનિયન સાથે એક વ્યાપક વેપાર સોદા સુધી પહોંચવામાં બ્રિટનની નિષ્ફળતા, કોરોનાની મહામારીને લીધે થયેલ નુકસાનમાં વધારો કરે છે.
(સંકેત)