- કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થંતંત્રને મોટો ફટકો
- વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે હશે
- આ તમામ સ્થિતિ આર્થિક ગતિવિધિઓ પર આધારિત રહેશે
વોશિંગ્ટન: કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ જ કારણોસર વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે આવવાની આશંકાઓ છે. વિશ્વ બેંકે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે વિશ્વભરના દેશોએ કોરોના મહામારી પછી અલગ અલગ પ્રકારની અર્થવ્યવસ્થા માટે તૈયાર રહેવું પડશે. જેમાં પુંજી, શ્રમ, કૌટિલ્યને નવા ક્ષેત્રો તથા વ્યવસાયોમાં જવાની મંજૂરી આપવી પડશે.
વિશ્વ બેંકે ચિંતા વ્યક્ત કરી હતી કે કોવિડ-19ને લીધે આ વર્ષે 8.8 કરોડથી 11.5 કરોડથી વધુ લોકો વિનાશકારી ગરીબીમાં ધકેલાય તેવી આશંકા છે. જેનાથી વર્ષ 2021 સુધી વિશ્વ સ્તરે ગરીબોની સંખ્યા વધીને 15 કરોડને પાર પહોંચી જશે. આ તમામ સ્થિતિ આર્થિક ગતિવિધિઓ પર આધારિત રહેશે.
દ્વિવાર્ષિક રિપોર્ટમાં વિશ્વબેન્કે જણાવ્યુ કે, જો આ મહામારી આવી ન હોત તો 2020માં ગરીબોની સંખ્યામાં ઘટાડો થઇને 7.9 ટકા પર આવી જવાનુ અનુમાન હતું. વિશ્વબેન્કના ચીફ ડેવિડ માલપાસે કહ્યુ કે, કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક મંદી વિશ્વની વસતીનો 1.4 ટકાથી વધારે લોકોને ગરીબીમાં ધકેલવાના કારણો બની રહશે.
રિપોર્ટમાં એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે પહેલેથી જ જે દેશોમાં ગરીબોની સંખ્યા વધુ છે, એવા દેશોમાં ગરીબોની સંખ્યા વધશે. વિકાસશીલ દેશોમાં નોંધનીય પ્રમાણમાં લોકો ગરીબી રેખાથી વધુ નીચે ધકેલાઇ જશે.
(સંકેત)