- ભારત બાયોટેક કંપની નેઝલ વેક્સિનની ટ્રાયલ ચાલુ કરી
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનું નિવેદન
- આ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થશે
નવી દિલ્હી: ભારતમાં હાલ બીજી લહેરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે હવે ત્રીજી લહેરની પણ દહેશત સેવાઇ રહી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર ખાસ કરીને બાળકોને વધુ પ્રભાવિત કરશે. વિશ્વભરમાં હાલ 12 વર્ષથી ઓછી વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી નથી. ભારતમાં પણ 18 વર્ષથી ઓછી વયના લોકોને વેક્સિનની મંજૂરી આપવામાં આવી નથી.
આ વચ્ચે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કોરોનાની નેઝલ રસી અંગે વાત કરતા કહ્યું હતું કે, આ રસી બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આ પ્રકારની રસી નાક દ્વારા આપવામાં આવે છે. આ રસી ઇન્જેક્શનની રસી કરતાં વધુ અસરકારક હોવાનું માનવામાં આવે છે. તેને લેવાની રીત પણ સરળ છે.
શાળાના શિક્ષકોને રસીની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યુ હતું કે, વધુમાં વધુ શાળાના શિક્ષકોને રસી અપાય તે આવશ્યક છે. તે ઉપરાંત તેમણે સૂચન કર્યું હતું કે, બાળકોને ત્યારે જ શાળામાં મોકલવા જોઇએ જ્યારે કોમ્યુનિટી સંક્રમણનું જોખમ ઓછું થાય. ભારતમાં બનેલી નેઝલ રસી ગેમ ચેન્જર સાબિત થશે. આ રસી, શ્વસન માર્ગમાં પ્રતિરોધક શક્તિ પણ વધારશે.
આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, બાળકો ચેપથી સુરક્ષિત નથી, પરંતુ હાલ બાળકો પર વાયરસની અસર ઓછી થઇ રહી છે. જો તમે વિશ્વ અને દેશના આંકડા પર નજર નાંખો તો માત્ર 3-4 ટકા બાળકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ રસીના ડોઝ નાક દ્વારા આપવામાં આવશે. જે કોરોનાને મારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નેઝલ સ્પ્રેના માત્ર 4 ટીપાંની જરૂર પડશે. નાકનાં બે છિદ્રોમાં બે ટીપાં મૂકવામાં આવશે.