Site icon Revoi.in

યુકેમાં ઓમિક્રોનની મજબૂત પકડ, 1 જ દિવસમાં કોવિડના કેસ 1 લાખને પાર, લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા સરકારની અપીલ

Social Share

નવી દિલ્હી: વર્ષ 2021માં એક તરફ કોરોનાનો પ્રકોપ વિશ્વભરમાં હળવો થઇ રહ્યો હતો અને મોટા ભાગના દેશોમાં જનજીવન થાળે પડી રહ્યું હતું ત્યાં જ સાઉથ આફ્રિકાથી કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દેતા ફરીથી કોવિડની ત્રીજી લહેરના ભણકારા શરૂ થઇ ચૂક્યા છે. ઓમિક્રોન વેરિએન્ટ હવે વિશ્વના મોટા ભાગના દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. યુકેમાં પ્રથમવાર એક દિવસના કોવિડના નવા કેસના આંકડા 1 લાખને પાર થઇ ગયા છે. ભારતમાં કોવિડના કેસ ઘટ્યા છે પરંતુ સામે છેડે ઓમિક્રોન વેરિએન્ટના કેસે ડબલ સેન્ચ્યુરી મારી છે અને હવે તે 250 થઇ ચૂક્યા છે.

યુકેમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 1,06,122 કેસ નોંધાયા છે. મહામારી શરૂ થયા બાદ પ્રથમ વાર યુકેમાં આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. યુકેમાં પણ ઓમિક્રોન પોતાની પકડને મજબૂત બનાવી રહ્યું છે.

યુકેમાં બીજી તરફ મૃત્યુઆંકની ટકાવારી પણ ઘણી ઊંચી છે. યુકેમાં અત્યાર સુધીમાં કોવિડથી 1,47,537 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1 કરોડથી વધારે પોઝિટિવ કેસ સાથે બ્રિટન યુરોપમાં વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સરકારે લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા માટે અપીલ કરી છે.

આમ તો, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં ઓમિક્રોન હળવો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે, પરંતુ તે જે ઝડપથી આગળ વધી રહ્યો છે તેને કારણે ચિંતાનો માહોલ બન્યો છે.