- કોરોનાના નવા વેરિયન્ટ બાદ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 3 દિવસનું લોકડાઉન લાગુ
- ન્યૂઝીલેન્ડના PMએ કેબિનેટના સભ્યો સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો
- ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના બધા પ્લાન કેન્સલ કર્યા
ઓકલેન્ડ: કોરોનાના સંક્રમણ વચ્ચે ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લોકડાઉન કરી દેવાયું છે. શહેરમાં નવા જોવા મળેલા કોરોના વાયરસના વેરિયન્ટ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યોની સાથે બેઠક કર્યા બાદ શનિવારે સાંજે આ નિર્ણય લીધો છે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ ત્યાં સુધી સતર્ક રહેશે કે જ્યાં સુધી તેમને શહેરમાં આવેલા નવા કોરોના વાયરસ વિશે સંપૂર્ણ રીતે સાચી જાણકારી ન મળી જાય. એવી માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે કે, શું આ વાયરસનો નવો પ્રકાર પહેલા કરતા વધુ સંક્રામક છે?
તેમણે જણાવ્યું કે, બાકી દેશોને પણ વધારે કડક પ્રતિબંધોમાં રાખવામાં આવશે, જેથી ઓકલેન્ડ શહેર ઉપરાંત બાકી જગ્યાએ લોકડાઉન લગાવવું ન પડે. રવિવારે ન્યૂઝીલેન્ડના આરોગ્ય અધિકારીઓએ જાણકારી આપી હતી કે, ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યો એવા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે, જેની ઓળખ નથી થઈ શકી. એટલે, શહેરમાં કોરોના વાયરસના નવા પ્રકારને ફેલાતો રોકવા માટે સાવચેતીના ભાગરૂપે લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના બધા પ્લાન કેન્સલ કરી દીધા છે અને તેઓ ઓકલેન્ડમાં કોરોના વાયરસને રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે પાછા રાજધાની વેલિંગ્ટન આવી ગયા છે.
(સંકેત)