Site icon Revoi.in

ઘટસ્ફોટ: 51 મુસ્લિમોને ઠાર મારનાર હત્યારો બ્રેન્ટન ભારત પણ આવ્યો હતો, ન્યૂઝીલેન્ડના ગુપ્તચર વિભાગે વિગતો કરી જાહેર

Social Share

ઓકલેન્ડ: વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં નમાજ પઢી રહેલા 51 મુસ્લિમોને ઠાર કરનારો હત્યારો બ્રેન્ટન ટેરંટ આ પહેલા ભારત સહિત વિશ્વભરના દેશોમાં ફર્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ન્યૂઝીલેન્ડના ગુપ્તચર વિભાગે આ વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે ભારતમાં તેણે મુંબઇ, જયપુર તેમજ ગોવાની મુલાકાત લીધી હતી અને ગોવામાં ઠીક ઠીક સમય સુધી રહ્યો હતો. આ વિગતો જાહેર થતાં જ ભારતીય ગુપ્તચર વિભાગે પણ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.

વર્ષ 2015-16માં બ્રેન્ટન ભારતની મુલાકાતે આવ્યો હતો. ભારતીય ગુપ્તચર વિભાગના એક અધિકારી અનુસાર અમારી તપાસ દરમિયાન બ્રેન્ટન પર શંકા ઉપજે તેવું કશું મળ્યું નહોતું. એ પણ બીજા સામાન્ય પર્યટકોની જેમ જ ગોવામાં રહ્યો હતો. એની કોઇપણ પ્રવૃતિ શંકાસ્પદ લાગી નહોતી. ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં તેણે કરેલા ગોળીબાર સાથે પણ એની ભારત મુલાકાતને કોઇ સાંઠગાંઠ હોય તેવા પુરાવા મળ્યા નહોતા.

તે જ્યારે ગોવામાં હતો ત્યારે સસ્તી હોટલોમાં ઊતરતો હતો અને પોતાના સાથી પર્યટકો કે હોટલના સ્ટાફ સાથે જરૂર પૂરતી જ વાતો કરતો હતો. એનો અર્થ એ થયો કે ભારતમાં તે માત્ર ફરવા આવ્યો હતો.

બ્રેન્ટને ભારત ઉપરાંત ચીન, જાપાન, રશિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લીધી હતી. વર્ષ 2019માં મસ્જિદ પર હુમલો કરવા અગાઉ એણે સોશિયલ મીડિયા પર મુસ્લિમ વિરોધી કેટલીક પોસ્ટ પણ કરી હતી. એણે મસ્જિદ પર કરેલા હુમલાનો લાઇવ વીડિયો પણ ફેસબૂક પર ફરતો કર્યો હતો જે વીડિયોને ફેસબૂકે બાદમાં હટાવી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની કોર્ટે બ્રેન્ટનને આજીવન કેદની સજા કરી હતી. ન્યાયાધીશે એને સામૂહિક હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો.

(સંકેત)