- ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો
- હવે ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર લગાવી રોક
- આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગૂ રહેશે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. ભારતમાં દૈનિક ધોરણે કોરોનાનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી 2 દિવસ તો કોરોનાના પ્રતિ દિન 1 લાખથી વધુ કેસ સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડને ભારતથી આવતા તમામ મુસાફરો માટે પ્રવેશ પર રોક લગાવી છે. જેમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ સામેલ છે. જે ભારતથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે. આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગૂ રહેશે.
નોંધનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,198 કેસ નોંધાયા છે. ગત વર્ષે મહામારી (Corona pandemic) શરૂ થયા બાદ એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 684 દર્દીનાં મોત થયા છે. કોરોના મહામારીથી લડી રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 59,907 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 322 લોકોનાં મોત થયા છે.
આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1 કરોડ 29 લાખ 1 હજાર 785 થયા છે. જેમાંથી અત્યારસુધી 1 કરોડ 17 લાખ 92 હજાર 135 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરના વાયરસના 8,43,473 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોનાં મોત થયા છે. સંક્રમિત થયેલા કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે.
(સંકેત)