Site icon Revoi.in

NIAએ પાકિસ્તાનના ષડયંત્રનો કર્યો પર્દાફાશ, ભારત વિરોધી એજન્ડા માટે કાશ્મીરી વિદ્યાર્થીઓને પાકિસ્તાન ડિગ્રી આપે છે

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ટેરર ફંડિગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાકિસ્તાનના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. NIAએ પોતાની તપાસમાં જાણકારી આપી છે કે પાકિસ્તાન સરકાર પોતાના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે જમ્મૂ કાશ્મીરના વિદ્યાર્થીઓને, MBBS, એન્જિનિયરિંગ સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ આપે છે. ડોક્ટર અને એન્જિનિયર બનવા માટે પાકિસ્તાન પહોંચનારા કાશ્મીરી વિદ્યાર્થીઓમાં જિહાદી તેમજ અલગાવવાદી માનસિકતાને પ્રોત્સાહન આપી તેમને આતંકવાદી અને અલગાવવાદી બનાવવામાં આવે છે.

તપાસ એજન્સીઓના અહેવાલ અનુસાર, આતંકીઓ, હુર્રિયત કોન્ફરન્સ તેમજ પાકિસ્તાન સરકાર વચ્ચે એક ત્રિપક્ષીય ગઠબંધન છે જે પાકિસ્તાન તરફ ઝુકાવ રાખનારા કાશ્મીરી ડોક્ટર, એન્જિનિયરની એક ફોજ તૈયાર કરવામાં લાગેલું છે.

કટ્ટરપંથી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની તેમજ ઉદારવાદી હુર્રિયત નેતા મીરવાઇઝ મૌલવી ઉમર ફારુક અને તેમના અનેક સાથીદારો પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓના દાખલાનો પ્રબંધ કરતા આવ્યા છે. કાશ્મીરી વિદ્યાર્થીઓ તેમજ લોકોને તેમની ભલામણના આધારે સરળતાપૂર્વક પાકિસ્તાન માટેના વિઝા મળતા હતા.

તપાસમાં પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર જે વિદ્યાર્થીઓ પાકિસ્તાન ભણવા ગયેલા છે તેમાંથી મોટા ભાગના કોઇ પૂર્વ આતંકવાદીઓના સંબંધી છે અથવા તો કોઇ સક્રિય આતંકવાદી સાથે કોઇને કોઇ રીતે સંકળાયેલા છે. તે સિવાય હુર્રિયત નેતાઓ કાશ્મીરના કેટલાક પ્રભાવશાળી પરિવારના બાળકોને પાકિસ્તાનની મેડિકલ તેમજ એન્જિનિયરિંગ કોલેજમાં દાખલો અપાવવાની આડમાં તેમના પાસેથી મોટી રકમ પણ મેળવે છે. આ પૈસાનો મોટો હિસ્સો આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓ માટે ખર્ચ થાય છે.

અલગાવવાદી નેતા નઈમ ખાનના ઘરની તલાશી દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો એક કાશ્મીરી વિદ્યાર્થીને પાકિસ્તાનમાં MBBSના અભ્યાસ માટે પ્રવેશ અપાવવાની ભલામણ સંબંધિત હતા. તેમાં વિદ્યાર્થી માટે તે અને તેનો પરિવાર પાકિસ્તાનના સમર્થક છે અને કાશ્મીરની આઝાદી માટે સંકલ્પબદ્ધ છે તેમ જણાવવામાં આવેલું હતું.

(સંકેત)