US ELECTION 2020: ભારતનું ગૌરવ, કચ્છી મૂળના નીરજ અંતાણી ઓહાયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા
- ભારત, ગુજરાત અને કચ્છ માટે ગૌરવના સમાચાર
- USમાં કચ્છી મૂળના નીરજ અંતાણી પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા
- નીરજ અંતાણીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને મ્હાત આપી છે
ઓહાયો: ભારત, ગુજરાત અને કચ્છ માટે ગૌરવના સમાચાર છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની મતગણતરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવાર કમલા હેરિસ સહિત અનેક ભારતીય મૂળના અમેરિકનો ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે ત્યારે કચ્છી મૂળના નીરજ અંતાણીએ ભારતને ગૌરવ અપાવ્યું છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓહાયોથી નીરજ અંતાણીએ સેનેટર તરીકે ચૂંટાઇને ઇતિહાસ રચ્યો છે. નીરજ અંતાણી ઓહાયો સ્ટેટથી ચૂંટાનારા પહેલા ભારતીય હોવાનું પણ ગૌરવ ધરાવે છે. આપને જણાવી દઇએ કે નીરજ અંતાણીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને મ્હાત આપી છે.
અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી રિપબ્લિકનના ઓહાયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન નાગરિક બન્યા છે. નીરજ અંતાણી, હાલમાં રાજ્યના પ્રતિનિધિ છે. તેમણે મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગલને હરાવ્યો હતો અને ઓહાયો સેનેટના છઠ્ઠા જીલ્લા માટે રાજ્ય સેનેટર તરીકે ચૂંટાયા હતા.
કોણ છે નીરજ અંતાણી
ભારત, ગુજરાત અને કચ્છને ગૌરવ અપાવનારા નીરજ અંતાણી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેમના માતા-પિતા વર્ષ 1987માં ભારતથી વોશિંગ્ટન શિફ્ટ થયા હતા અને ત્યારબાદ મિયામી જતા રહ્યા હતા. નીરજ અંતાણીનો જન્મ અમેરિકામાં થયો હતો.
આ છે તેમની સિદ્વિઓ
નીરજ માત્ર 23 વર્ષની ઉંમરમાં વર્ષ 2014માં પ્રતિનિધિઓના ઓહાયો ગૃહમાં ચૂંટાયા હતા. આ ઉપરાંત વર્ષ 2015માં ફોર્બ્સ મેગેઝિને કાયદા અને નીતિ માટે 30 વર્ષથી ઓછી ઉંમરના ટોપ-30 લોકોમાં નીરજ અંતાણીનો સમાવેશ કર્યો હતો.
ઓહાયો સ્ટેટની સેનેટ ચૂંટણી જીત્યા બાદ નીરજ અંતાણીઓ પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના ટ્વીટમાં નીરજ અંતાણીએ કહ્યું કે, હું રાજ્ય સેનેટર માટેની ચૂંટણી જીતીને ખરેખર આભારી છું. હું મારા બધા મતદારો, સમર્થકો, ટીમ તથા ટેકેદારોનો ખૂબ જ આભારી છું. આપના રાજ્યના સેનેટર તરીકે હું દરરોજ અથાગ પરિશ્રમ અને મહેનત કરીશ જેથી બધા ઓહિયોવાસીઓને તેમનું અમેરિકન ડ્રીમ પ્રાપ્ત કરવાની તક મળી શકે.
(સંકેત)