Site icon Revoi.in

ઉત્તર કોરિયાએ વધાર્યું ટેન્શન, 2 બેલેસ્ટિક મિસાઇલનું સમુદ્રમાં કર્યું પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને પદભાર સંભાળ્યો ત્યારબાદ પ્રથમ વખત ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકા સાથેની કૂટનીતિમાં ઘર્ષણ બાદ ઉત્તર કોરિયાનું આ પગલું જો બાઇડનના પ્રશાસન પર દબાણ બનાવવા તેમજ પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ફરી પરીક્ષણ શરૂ કરવાનો સંકેત આપે છે.

આપને જણાવી દઇએ કે થોડાક સમય પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત થઇ હતી અને બીજી તરફ આગામી વર્ષે જાપાનમાં ઓલમ્પિક યોજાવા જઇ રહ્યું છે તે અગાઉ ઉત્તર કોરિયાએ આ હરકત કરી છે.

જાપાનના પીએમ યોશિહિદે સુગાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષણ જાપાન તથા ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે જોખમી છે તથા ટોક્યો ઉત્તર કોરિયાની ગતિવિધિઓ મામલે અમેરિકા-દક્ષિણ કોરિયા સાથે સંકલન જાળવી રાખશે.

દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફે જણાવ્યું કે, સવારે 7:06 કલાકે અને 7:25 કલાકે ઉત્તર કોરિયાના પૂર્વીય તટ પર મિસાઇલ લોન્ચ થઇ હતી. આ મિસાઇલોએ સમુદ્રમાં પડતા પહેલા 450 કિમીનું અંતર કાપ્યું હતું.

અમેરિકા હિંદ-પ્રશાંત કમાનના પ્રવક્તા કેપ્ટન માઇક કાફ્કાએ અમેરિકી સેનાને મિસાઇલ અંગ જાણકારી છે અન તે પોતાના સહયોગીએ સાથે પરામર્શ કરીને સ્થિતિ પર નજર રાખી રહી છે તેમ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, આ ગતિવિધિઓથી સાબિત થાય છે કે, ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણથી તેના પાડોશીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જોખમ છે.

અમેરિકા સાથેની પરમાણુ વાતચીતમાં ઘર્ષણ વચ્ચે ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરી 2019માં યોજાયેલી બીજી શિખર વાર્તા અસફળ રહી ત્યારબાદ બંને દેશ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ઉત્તર કોરિયા આજ સુધી બાઇડન પ્રશાસનના વાતચીત માટેના પ્રસ્તાવ અને પ્રયાસોને નજરઅંદાજ કરતું આવ્યું છે.

(સંકેત)