નોર્થ કોરિયાના હેકર્સ કોરોના વેક્સીન ટેક્નોલોજીને ટાર્ગેટ કરી રહ્યા છે: દક્ષિણ કોરિયાનો આરોપ
- દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ઉત્તર કોરિયા પર મૂક્યા આરોપ
- ઉત્તર કોરિયાના હેકર્સએ કોરોના વેક્સીનની માહિતી ચોરવાનો કર્યો પ્રયાસ
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ઉત્તર કોરિયા પર આરોપ મૂક્યા છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીનો આરોપ છે કે ઉત્તર કોરિયાના હેકર્સએ કોરના વાયરસ વેક્સીન અને તેની સારવાર અંગેની માહિતી ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એજન્સીએ વેક્સીન નિર્માતા ફાઇઝરને નિશાન બનાવવામાં આવી હોવાના સાંસદના દાવાને ફગાવી દીધો હતો.
આ અગાઉ સંસદની ગુપ્તચર સમિતિના સભ્ય હા તે કેંગએ જણાવ્યું હતું કે, નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે આપેલી માહિતી અનુસાર ઉત્તર કોરિયાના હેકર્સએ કોવિડ-19 વેક્સીન ટેક્નોલોજીની ચોરી કરવા માટે ફાઇઝરને હેક કરી હતી.
જો કે થોડાક જ સમય પછી નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે સ્પષ્ટતા કરી હતી કે અમે કોઇ સાંસદને જણાવ્યું નથી કે ઉત્તર કોરિયાના હેકરોએ વેક્સિન બનાવતી કંપની ફાઇઝરને નિશાન બનાવી હતી.આ એક અસામાન્ય ઘટના છે જ્યારે એનઆઇએસએ કોઇ સાંસદના નિવેદનને ખોટું ગણાવ્યું હોય.
જો કે આ સ્પષ્ટતા કરવામાં આવ્યા પછી પણ સાંસદ પોતાના નિવેદન પર મક્કમ રહ્યાં હતાં. ઇન્ટેલિજન્સ કમિટીના એક્ઝિક્યુટીવ સેક્રેટરી કિમ બુંગ કીએ આ અંગે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અગાઉ ઇન્ટરનેશનલ હેલૃથ ગુ્રપે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાને જૂન સુધીમાં ભારત તરફથી વેક્સિનના 19 લાખ ડોઝ મળે એેવી શક્યતા છે.
(સંકેત)