Novavaxની વેક્સિન કોરોના સામે 90 ટકા અસરકારક સાબિત થઇ, વિકાસશીલ દેશો માટે સારા સમાચાર
- વિકાસશીલ દેશો માટે સારા સમાચાર
- Novavax વેક્સિન કોરોના સામે 90 ટકા અસરકારક
- વેક્સિનની અંતિમ ટ્રાયલ બાદ આ પરિણામો સામે આવ્યા
નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની જંગમાં વેક્સિન સૌથી અસરકારક હથિયાર છે ત્યારે વેક્સિન નિર્માતા Novavaxએ કહ્યું હતું કે, કોરોના વિરુદ્વ તેની વેક્સિન વધુ અસરકારક છે અને તે વાયરસના બધા સ્વરૂપો વિરુદ્વ સુરક્ષા પ્રદાન કરે છે. અમેરિકા અને મેક્સિકોમાં કરવામાં આવેલી અંતિમ તબક્કાના ટ્રાયલ બાદ આ તારણ આવ્યું છે. કંપની અનુસાર, વેક્સિન આશરે 90 ટકા અસરકારક છે અને પ્રારંભિક આંકડાઓ અનુસાર તે સુરક્ષિત છે.
વિશ્વભરમાં હજુ પણ વેક્સિનની માંગ યથાવત્ છે. નોવાવેક્સ વેક્સિનને રાખવી અને લઇ જવી સરળ હોવાથી તે વિકાસશીલ દેશોમાં વેક્સિનની આપૂર્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
કંપની અનુસાર, તેમની યોજના સપ્ટેમ્બરના અંત સુધી અમેરિકા, યૂરોપ અને અન્ય જગ્યાઓ પર વેક્સિનના ઉપયોગની મંજૂરી લેવાની છે અને ત્યાં સુધી તે દર મહિને 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે.
Novavaxના મુખ્ય કાર્યપાલક સ્ટેનલી અર્કે જણાવ્યું હતું કે, અમારા પ્રારંભિક ડોઝ નિમ્ન અને મધ્ય આવક ધરાવતા દેશોમાં જશે. વિકાસશીલ દેશોમાં 1 ટકાથી પણ ઓછા લોકોએ ડોઝ લીધો છે જેનું કારણ મોટા પાયે વેકિસનની અછત છે.
નોંધનીય છે કે, Novavax ના અભ્યાસમાં અમેરિકા અને મેક્સિકોના 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 30 હજાર લોકો સામેલ હતા. તેમાંથી અડધા કરતા વધુ લોકોના બે સપ્તાહના અંતર પર રસીના બે ડોઝ આપવામાં આવ્યા, જ્યારે બાકીને બિનઅસરકારક (ડમી) રસી આપવામાં આવી. કોવિડ-19ના 77 મામલા આવ્યા, જેમાંથી 14 તે સમૂહમાંથી હતા જેને રસી આપવામાં આવી હતી, જ્યારે બાકી મામલા તેમાંથી હતા જેને બિનઅસરકારક (ડમી) રસી આપવામાં આવી હતી. રસી લગાવનાર સમૂહમાં કોઈને બીમારીની મધ્યમ કે ગંભીર અસર થઈ નહીં.