- અનેક દેશોમાં કોરોનાની વેક્સિનના મિશ્રણને લઇને થઇ રહ્યાં છે પ્રયોગ
- હવે કેનેડાએ પણ વેક્સિનને લઇને તેની માર્ગદર્શિકા રજૂ કરી છે
- માર્ગદર્શિકામાં નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે
નવી દિલ્હી: કોરોનાના કહેર હજુ પૂર્ણ નથી થયો ત્યારે છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના વેક્સિનના મિશ્રણ કરવા પર ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જ સ્પેન અને બ્રિટનમાં આ અંગે પ્રયોગ હાથ ધરાયા હતા જેના સારા પરિણામો સામે આવ્યા છે. હવે કોરોનાની રસી અંગે કેનેડાએ પોતાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. માર્ગદર્શિકામાં નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે.
નેશનલ એડવાઇઝરી કમિટિ ઑન ઇમ્યુનાઇઝેશન (NACI)એ પોતાની માર્ગદર્શિકામાં જે સુધારો કર્યો છે તે અનુસાર હવે જે લોકોએ અગાઉ એસ્ટ્રાજેનેકા વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય તેઓ હવે ફાઇઝર-બાયોએનટેક કે મોડર્ના વેક્સિનનો બીજો ડોઝ લઇ શકે છે. આ બંને mRNA ટેક્નોલોજી પર આધારિત છે.
નવી માર્ગદર્શિકામાં એવી પણ સલાહ અપાઇ છે કે ફાઇઝર અને મોડર્ના રસી પહેલા તેમજ બીજા ડોઝ માટે મિક્સ પણ થઇ શકે છે. જો કે એક ધ્યાન રાખવા જેવી વાત એ છે કે સુરક્ષા કારણોસર અને આ કોમ્બિનેશનના ઉપયોગ અંગે મર્યાદિત ડેટા ઉપલબ્ધ હોવાના કારણે આ માર્ગદર્શિકામાં ફાઈઝર અને મોડર્ના રસીનો પહેલો ડોઝ લીધો હોય તો બીજા ડોઝ માટે એસ્ટ્રાજેનેકાની ભલામણ કરવામાં આવી નથી.