Site icon Revoi.in

હાફિજ સઇદના ઘર બહાર થયેલા વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ

Social Share

નવી દિલ્હી: ગત મહિને લાહોરમાં વર્ષ 2008ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદના ઘર બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યૂસુફે લગાવ્યો છે.

આપને જણાવી દઇએ કે લાહોરના જૌહર ટાઉનમાં મહેસૂલ બોર્ડ હાઉસિંગ સોસાયટી ખાતે હાફિજ સઇદના ઘર બહાર 23 જૂનના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 3 લોકોનાં મોત થયા હતા. તે સિવાય અન્ય 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હજુ સુધી કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

પંજાબ પોલીસ પ્રમુખ અને સૂચના મંત્રી ફવાદ ચૌધરી સાથેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે હુમલાનો માસ્ટરમાઈન્ડ એક ભારતીય નાગરિક હોવાનો દાવો કર્યો હતો જે ગુપ્તચર એજન્સી સાથે સંબંધ ધરાવે છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યૂસુફે જણાવ્યું કે, ‘આ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ફોરેન્સિક વિશ્લેષણ, ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા અમે મુખ્ય માસ્ટરમાઈન્ડ અને આ આતંકવાદી હુમલાના સંચાલકોની ઓળખ મેળવી છે. અમને આ વસ્તુ સૂચિત કરવામાં કોઈ સંદેહ કે વાંધો નથી કે મુખ્ય માસ્ટરમાઈન્ડ ભારતીય ગુપ્તચર એજન્સી રૉનો છે, જે ભારતમાં જ રહે છે.’ જોકે તેમણે કોઈની ઓળખ જાહેર નહોતી કરી.

મોઈદ યૂસુફે જણાવ્યું કે, સરકાર પાસે બોગસ નામ, સાચી ઓળખાણ અને શકમંદોના એડ્રેસ છે કારણ કે અલગ-અલગ એજન્સીઓના સહયોગથી આ વાત સામે આવી છે.