પાક. પીએમ ઇમરાન ખાનની થઇ ફજેતી, પાકિસ્તાન અધિકારીઓએ કહ્યું – 3 મહિનાથી નથી થયો પગાર
- સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓએ ઇમરાન ખાનની ફજેતી કરી નાંખી
- અધિકારીઓએ ટ્વિટ કરી કે ત્રણ મહિનાથી અમારો પગાર નથી થયો
- અમે ક્યાં સુધી પાકિસ્તાનમાં વધતી મોંઘવારી સામે ચુપ રહીશું
નવી દિલ્હી: આતંકવાદીઓના આશ્રયદાતા એવા પાકિસ્તાનની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. મોંઘવારી આસમાનને આંબી રહી છે. દેશ સતત દેવાના બોજ હેઠળ દબાઇ રહ્યો છે. આ વચ્ચે સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓએ ઇમરાન ખાનની ફજેતી કરી હતી.
હકીકતમાં, વાત એમ છે કે સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું. અધિકારીઓની દ્વારા ત્રણ મહિનાથી પગાર ના મળ્યો હોવાની તેમજ મોંઘવારીની ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્વિટમાં ખાસ વાત એ છે કે વડાપ્રધાન ઇમરાન ખાનને ટેગ કરવામાં આવ્યા છે. આ ટ્વિટની નીચે અન્ય એક ટ્વિટમાં એવું લખ્યું છે કે આના સિવાય કોઇ જ વિકલ્પ ન હતો.
ટ્વિટમાં દૂતાવાસના અધિકારીઓને ઇમરાન ખાનને પ્રશ્નો પૂછે છે કે, પાકિસ્તાનમાં મોંઘવારી તમામ રેકોર્ડ તોડી રહી છે. પીએમ ઇમરાન ખાન તમે અમારી પાસેથી ક્યાં સુધી ચુપકીદીની અપેક્ષા કરો છો. અમને ત્રણ મહિનાથી કોઇ પગાર મળ્યો નથી. તેમ છતાં અમે કામ કરી રહ્યા છીએ. શાળાની ફી ના ભરવાને કારણે અમારા બાળકોને શાળામાંથી કાઢી પણ મુકવામાં આવ્યા છે.
પાકિસ્તાનની હાલત વધુ કંગાળ અને ખસ્તાહાલ બની રહી છે. પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કિંમતો પણ બમણી થઇ ચૂકી છે. તેલ, લોટ અને ચિકનના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, બીજી તરફ વધતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાનનું વિદેશી દેવું સતત વધી રહ્યું છે અને પાકિસ્તાનના દૈનિક ખર્ચોને પહોંચી વળવામાં પણ ફાંફા પડી રહ્યા છે. પાકિસ્તાનને હવે કોઇ દેશ લોન આપવા માટે પણ તૈયાર નથી.