- પાકિસ્તાનમાં એક ન્યૂઝ ચેનલના શો દરમિયાન વિપક્ષી-સત્તાધારી પક્ષના સાંસદો વચ્ચે થઇ બબાલ
- સત્તાધારી પક્ષના નેતાને ગુસ્સો આવતા તેઓએ ઉગ્ર બનીને વિપક્ષી નેતાને લાફો ઝીકી દીધો
- હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વની ન્યૂઝ ચેનલ્સ પર અનેકવિધ વિષય પર થતી ડિબેટ દરમિયાન પેનલિસ્ટ્સ વચ્ચે થતો ઉગ્ર વિવાદ હવે સામાન્ય બની ચૂક્યો છે. જો કે પાકિસ્તાનમાં થયેલા ઉગ્ર વિવાદે તો હદ જ કરી દીધી હતી. પાકિસ્તાનમાં એક ન્યૂઝ ચેનલમાં લાઇવ શો દરમિયાન ચર્ચા ચાલી રહી હતી તે સમયે સત્તાધારી પક્ષના નેતાને ગુસ્સો આવતા તેઓએ ઉગ્ર બનીને વિપક્ષી નેતાને લાઇવ શોમાં જ લાફો ઝીકી દીધો હતો.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનની કોઇ ખાનગી ન્યૂઝ ચેનલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. તેમાં સત્તાધારી અને વિપક્ષી દળોના નેતા ઉપસ્થિત હતા. ચર્ચા દરમિયાન પંજાબના મુખ્યમંત્રીના વિશેષ સહાયક ડૉ. ફિરદૌસ આશિક અવાન વિપક્ષી PPP MNAના સાંસદ કાદિર મંદોખેલ સાથે ઝઘડી પડ્યા હતા. બને વચ્ચે વિવાદ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ડૉ. ફિરદૌસે કાદિરને થપ્પડ મારી દીધી હતી.
Pakistan's new heavyweight champion, Dr Firdous Ashiq Awan. #FirdousAshiqAwan pic.twitter.com/0mp2L1pIy1
— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) June 9, 2021
બંને નેતાઓ વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો અને તે સમયે કાદિરે ફિરદૌસની પાર્ટી અને નેતાઓ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવ્યા હતા. આ કારણે ફિરદૌસનો પિત્તો છટક્યો હતો. વીડિયો ક્લિપમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ડૉ. ફિરદૌસ વિપક્ષી નેતા મંદોખેલને ગાળ આપતા જોવા મળે છે અને થોડા સમય બાદ ગાલ પર થપ્પડ મારતા પણ જોવા મળે છે.