Site icon Revoi.in

અભિનંદનને બંધક બનાવ્યા બાદ ભારત હુમલો કરશે તેના ડરે જ પાક. સેના પ્રમુખને પરસેવો વળી ગયો

Social Share

ઇસ્લામાબાદ: ભારતની સૈન્ય તાકાત અને સામર્થ્યથી પાકિસ્તાન કેટલું થરથર કાંપે છે અને ડરે છે તે વાતની સાબિતી સામે આવી છે. હકીકતમાં ફેબ્રુઆરી 2019માં જ્યારે પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને બંધક બનાવ્યો હતો, ત્યારે પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં તત્કાલિન વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે જો અભિનંદનને મુક્ત કરવામાં નહીં આવે તો ભારત પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. આ શબ્દો સાંભળતા જ બેઠકમાં ઉપસ્થિત પાક સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને પરસેવો વળી ગયો હતો અને બાદમાં આ જ બેઠકમાં વિંગ કમાંડર અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ દાવો પાકિસ્તાનના એક સાંસદે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-એન)ના નેતા અયાઝ સાદિકે જણાવ્યું કે વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ એક મહત્વપૂર્ણ બેઠકમાં જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન વિંગ કમાંડર અભિનંદનને મુક્ત નહીં કરે તો, ભારત પાકિસ્તાન પર હુમલો કરશે. પીએમએલ-એનના નેતાએ વિપક્ષના નેતાઓને જણાવ્યું કે શાહ મહેમૂદ કુરેશીએ સંસદીય નેતાઓની બેઠક, જેમાં પીપીપી અને પીએમએલ-એનના નેતા તેમજ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ હાજર હતા, તેમાં વિંગ કમાંડરને મુક્ત કરવા જણાવ્યું હતું.

તેમણે એ દિવસની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે મને યાદ છે કે શાહ મહેમૂદ કુરેશી તે બેઠકમાં હતા જેમા ઇમરાન ખાને સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો અને સેનાના વડા જનરલ બાજવા રૂમમાં આવ્યા હતા, તેમના પગ થરથર કાંપી રહ્યા હતા અને તેમને પરસેવો વળી રહ્યો હતો.

મહત્વનું છે કે, પુલવામામાં CRPF કાફલા પર જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલા બાદ ભારતે એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. ભારતે પાકિસ્તાનના એક યુદ્વ વિમાન F-16ને તોડી પાડ્યું હતું અને અન્ય એક યુદ્વ વિમાનને ખદેડતી વખતે અભિનંદ વર્ધમાનના યુદ્વિ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું અને વિંગ કમાંડરને બંધક બનાવી લેવાયો હતો. પાકિસ્તાને ત્યારબાદ અભિનંદનને ભારતને સોંપ્યા હતા.

(સંકેત)