Site icon Revoi.in

કલમ 370ની બહાલી સુધી ભારત સાથે મંત્રણા શક્ય નથી – ઇમરાન ખાન

Social Share

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જમ્મૂ અને કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી થવા સુધી ભારત સાથે કોઇ વાતચીત શક્ય નથી. ઇસ્લામાબાદમાં મીડિયાના પ્રતિનિધિઓનની સાથે વાતચીત દરમિયાન ભારતની સાથે મંત્રણાની શક્યતાઓને લઇને પૂછાતા તેમણે આ પ્રતિક્રિયા આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇમરાન ખાને કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરનો સ્વાયત્ર દરજ્જો બહાલ થવા સુધી ભારતની સાથે વાતચીત શક્ય નથી. તેઓએ દાવો કર્યો કે, ભારત સિવાય અમારે કોઇની પણ સાથે શત્રુતાપૂર્ણ સંબંધ નથી. ભારત હાલમાં પાકિસ્તાનને અસ્થિર કરવાનું પ્રયાસ કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે અગાઉ, પણ ઇમરાન ખાન અનેકવાર કાશ્મીરનું નામ લઇને ભારત પર અનેક આરોપો લગાવી ચૂક્યા છે. ગત વર્ષે તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2018માં વડાપ્રધાન બન્યા બાદ તેઓએ ભારતને શાંતિનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથોસાથ ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તેઓ શાંતિ તરફ એક પગલું ભરશે તો પાકિસ્તાન પણ બે પગલાં ભરશે.

નોંધનીય છે કે, ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે જણાવી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરવી તે દેશનો આંતરિક મામલો છે. ભારત પહેલા પણ પાકિસ્તાનને વાસ્તવિક્તા સ્વીકાર કરવા અને ભારત વિરોધી તમામ ખોટા પ્રપંચોથી દૂર રહેવા માટે કહી ચૂક્યું છે.

(સંકેત)