- પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારત મિત્રતા પર આપ્યું નિવેદન
- ઇઝરાયલના પ્રવાસ બાદ જ પીએમ મોદીએ કાશ્મીર પર નીતિ લાગૂ કરી હતી
- કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ બદતર છે: ઇમરાન ખાન
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ અને ભારતની મિત્રતા અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ઇઝરાયેલના પ્રવાસ બાદ જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કાશ્મીર પર નીતિ લાગૂ કરી હતી.
પેલેસ્ટાઇન અને જમ્મ કાશ્મીરની સ્થિતિ પર સવાલ પૂછાતા ઇમરાન ખાને કહ્યું હતું કે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારત અને ઇઝરાયલ ગાઢ મિત્રો છે. આ બંને દેશ ખૂબ નીકટ છે. ઇઝરાયલના પ્રવાસ કર્યા બાદ જ પીએમ મોદીએ કાશ્મીરમાં આટલી કઠોર નીતિને લાગૂ કરી હતી.
ઇમરાન ખાને વધુમાં ઉમેર્યું હતું કે ઇઝરાયલે એક મજબૂત તંત્ર બનાવેલું છે. તેઓ દરેક વિરોધને કચડી રહ્યા છે. તેઓ પોતાના લોકોને મોકલીને ગમે તેને મારી નાખે છે અને તેઓને પૂરી ઇમ્યુનિટી મળેલી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ કોઇ નિવેદન આપે ત્યારે તેઓને એ પણ ખબર છે કે અમેરિકા તેના વિટો પાવરનો ઉપયોગ કરીને તેને બચાવી લેશે.
ભારત વિરુદ્વ ઝેર ઓકતા તેઓએ કહ્યું હતું કે, ચીન વિરુદ્વ અમેરિકાના ગઠબંધનનો ભાગ હોવાને કારણે ભારતને લાગે છે કે તેમની પાસે ઇઝરાયલ જેવી જ ઇમ્યુનિટી છે અને તેઓ પણ ગમે તે કરી શકે છે. કાશ્મીરમાં હાલ માનવાધિકારોના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે. આવી બદતર સ્થિતિ પહેલા ન હતી.