- આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનના ગ્રે લિસ્ટમાંથી નીકળવા કે રહેવા અંગે થઇ શકે છે નિર્ણય
- પેરિસમાં FATFની બેઠક પર પાકિસ્તાનની નજર
- જો હજુ ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન રહેશે તો વધુ હાલત ખરાબ થશે
પેરિસ: આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે એક એક દિવસની ગણતરી કરી રહ્યું છે. તેને જ લઇને સોમવારે પેરિસમાં એક બેઠક યોજાશે જેમાં પાકિસ્તાનના ગ્રે લિસ્ટમાં રહેવા અંગેના ભાવિનો ફેંસલો થઇ જશે. જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જ રહેશે તો તેને કોઇ આંતરરાષ્ટ્રીય સંગઠન પાસેથી આર્થિક મદદ પ્રાપ્ત નહીં થાય અને તેથી જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થશે. જો કે તે ગ્રે લિસ્ટમાં જ બની રહેશે, તેના બે કારણ છે જેમાં આતંકી ફંડિગ રોકવામાં પાકિસ્તાનની નિષ્ફળતા તેમજ એક કાર્ટૂન વિવાદ છે.
હકીકતમાં, પેરિસમાં વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર યૂનુસ ખાનના હવાલાથી ડૉન અખબારે લખ્યું છે કે કેટલાક યુરોપિયન દેશ, ખાસ કરીને ફ્રાંસે FATFને સલાહ આપી છે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવે. તેઓનું કહેવું છે કે, ઇસ્લામાબાદે દરેક મુદ્દાઓ પર કામ નથી કર્યું. અન્ય દેશોએ આ બાબતે ફ્રાંસને સમર્થન આપ્યું છે. ખાનનું કહેવું છે કે ફ્રાંસ પેંગબર કાર્ટૂનના મુદ્દે પાકિસ્તાનની પ્રતિક્રિયાથી નાખુશ છે.
ફ્રાંસના શાર્લી અબ્દો મેગેઝિનમાં છપાયેલા પૈગંબર મોહમ્મદના કાર્ટૂનને લઇને પાકિસ્તાન સહિત અન્ય મુસ્લિમ દેશોમાં ખૂબ જ વિરોધ થયો હતો. આ વિવાદમાં ખુદ પાક.ના પીએમ ઇમરાન ખાન પણ કુદી પડ્યા હતા અને ફ્રાંસ પર આરોપ લગાવ્યો હતો કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો ઇરાદાપૂર્વક પોતાના નાગરિકો સહિત મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. તેઓએ ટવીટ કર્યુ હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓએ ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો રસ્તો પકડ્યો છે ત્યારે તો આંતકીઓ પર હુમલો કરવાની બદલે ઇસ્લામ પર હુમલો કરે છે.
FATFની 21 થી 26 ફેબ્રુઆરી વચ્ચે પેરિસમાં બેઠક થશે. આ બેઠકોમાં ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનના નામને લઇને ચર્ચા થાય તેવી પૂરી સંભાવના છે. પાકિસ્તાનને જૂન 2018માં FATFના ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું અને 27 મુદ્દાઓ પર એક્શન લઇને વૈશ્વિક ચિંતાઓ દૂર કરવા માટે સમય મર્યાદા આપવામાં આવી હતી. ગ્રે લિસ્ટમાં એ દેશ હોય છે જ્યાં આતંકવાદની ફંડિગ અને મની લોન્ડરિંગનું જોખમ સૌથી વધુ હોય છે. આ કારણથી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વિશ્વ બેંક અને યુરોપિયન સંઘ પાસેથી આર્થિક મદદ મળવાનું મુશ્કેલ બને છે. અત્યારે જ્યારે પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી છે ત્યારે જો હજુ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જ રહેશે તો વધુ વિકટ સમસ્યા થશે.
(સંકેત)