Site icon Revoi.in

UNHRCમાં ભારતે પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું – પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બની ચૂક્યું છે

Social Share

નવી દિલ્હી: ભારતે ફરી એક વખત પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ભારતે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ-UNHRCમાં આતંકવાદને મુદ્દે ફરી એકવાર પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન તેની ધરતી પર થઇ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘનથી ધ્યાન ભટકાવવા માટે ભારતની છબીને ખરાબ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે.

UNHRCમાં ભારતના યૂએન સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પવનકુમાર બાધે સંબોધન આપ્યું હતું. આ સંબોધનમાં તેમણે પાકિસ્તાનની પોલ ખોલી નાંખી હતી. બાધેએ કહ્યું હતું કે, પાકિસ્તાની નેતાઓએ આ સત્યનો સ્વીકાર કર્યો હતો કે તેમનો દેશ આતંકવાદીઓનું કારખાનું બની રહ્યો છે. બાધેનું કહેવું હતું કે, જે લોકો પાકિસ્તાની કરતૂતો વિશે અવાજ ઉઠાવે છે તેઓના અપહરણ, હત્યાઓ અને ખોટી રીતે કસ્ટડીમાં રાખવાના કામ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન તેમણે ભારતના આંતરિક જમ્મુ-કાશ્મીરના મુદ્દાથી ઇસ્લામિક સહયોગ સંગઠન-OICને બહાર રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના આંતરિક મુદ્દા વિશે OICના નિવેદને ભારત ફગાવે છે. સંગઠનને ભારતના એક અભિન્ન અને અવિભાજ્ય અંગ જમ્મુ-કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.

(સંકેત)