- કંગાળ પાકિસ્તાનની હાલત સતત કથળી રહી છે
- હવે પૈસા ના ચૂકવતા મલેશિયાએ પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું
- આ ઘટના સમયે મુસાફરો તેમજ ક્રૂ પણ વિમાનમાં જ સવાર હતા
- જો કે આ લોકોને બહાર કાઢીને પ્લેન જપ્ત કરી લેવાયું હતું
ઇસ્લામાબાદ: કંગાળ પાકિસ્તાનની હાલત દિવસે દિવસે વધુ કથળી રહી છે. કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનને તેના જ એક પરમ મિત્રએ મોટો આંચકો આપ્યો છે.
હકીકતમાં, મલેશિયાએ પાકિસ્તાનની સરકાર સંચાલિત એરલાઇન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું બોંઇગ 777 પેસેન્ડર પ્લેન કબજે કર્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનને ભાડે લીઝ પર અપાયું હતું અને પૈસા નહીં ચૂકવવાને પગલે વિમાનને કબજે કરવામાં આવ્યું હતું. કુઆલાલંપુર એરપોર્ટ પરની આ ઘટના સમયે, મુસાફરો તેમજ ક્રૂ વિમાનમાં સવાર હતા, પરંતુ તેઓને ઉતારી લેવાયા હતા તેમજ વિમાન લઇ લેવાયું હતું.
પાકિસ્તાની અખબાર ડેઇલી ટાઇમ્સના અહેવાલ અનુસાર, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પાસે કુલ 12 બોઇંગ 777 વિમાન છે. આ વિમાનોને વિવિધ કંપનીઓ દ્વારા સમયાંતરે લીઝ આપવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન મલેશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું હતું તે પણ લીઝ પર હતું પરંતુ લીઝની શરત હેઠળ પૈસા ચૂકવવામાં ના આવતાં વિમાન કુઆલાલંપુરમાં જપ્ત કરાયું છે.
અગાઉ સાઉધી અરેબિયાએ પણ ઇમરાન ખાન સરકાર પાસેથી તેના 3 અબજ ડોલર પાછા માંગી લીધા હતા. ઇમરાનની સરકારે ચીન પાસેથી લોન લઇને સાઉદી અરેબિયાની લોનની ભરપાઇ કરી હતી.
આપને જણાવી દઇએ કે, ગત વર્ષે મે મહિનામાં દેવામાં ડૂબેલા PISનું વિમાન કરાચીમાં ક્રેશ થયું હતું. એટલું જ નહીં, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને લઇને દેશમાં નવ ખુલાસાઓ થઇ રહ્યા છે. દેશના ઉડ્ડયન મંત્રી સરવર ખાને થોડા સમય પહેલા આરોપ લગાવ્યો હતો કે PIAના લભગ 40 ટકા પાઇલટ્સ નકલી છે એટલે કે તે સર્ટિફાઇડ નથી.
એટલું જ નહીં, ઇમરાન ખાનના પક્ષના પ્રવક્તાએ કહ્યું છે કે PIAનો સ્ટાફ અગાઉ પણ અનેક દાણચોરીમાં ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. કરાચી દુર્ઘટના બાદ સરવર ખાને કહ્યું કે ગયા વર્ષે તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાનના 860 સક્રિય પાઇલટ્સમાંથી 262 પાઇલટ્સ પાસે કાં તો બનાવટી લાઇસન્સ છે અથવા તેઓએ પરીક્ષામાં છેતરપિંડી કરી હતી.
(સંકેત)