Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સી પર પીએમ મોદીએ લોકતાંત્રિક દેશોને એકજુટ થવાની કરી અપીલ, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: સિડની ડાયલોગ દરમિયાન પીએમ મોદીએ ભારતમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ રિવોલ્યુશન વિષય પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિડની ડાયલોગ સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને નવો આકાર આપી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે 17 થી 19 નવેમ્બર દરમિયાન સિડની ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ ની પહેલ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન તેમજ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પણ તેમાં વક્તવ્ય આપશે.

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન જેની સૌથી વધુ અત્યારે ચર્ચા થઇ રહી છે તેવા ક્રિપ્ટોકરન્સી પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે, એ મહત્વનું છે કે તમામ લોકતાંત્રિક દેશો ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇન પર સાથે મળીને કામ કરે અને ખાતરી કરે કે તે ખોટા હાથમાં ના જાય, જે આપણા યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં પાંચ મહત્વના ફેરફારો આકાર લઇ રહ્યાં છે. અમે વિશ્વની સૌથી વ્યાપક જાહેર માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યાં છીએ. 1.3 અબજથી વધુ ભારતીયો અનન્ય ડિજીટલ ઓળખ ધરાવે છે. અમે 6 લાખ ગામડાઓને બ્રોડબેન્ડથી કનેક્ટ કરવાના માર્ગ પર છીએ. અમે વિશ્વનું સૌથી કાર્યક્ષમ પેમેન્ટ ઇન્ફ્રા-UPI બનાવ્યું છે. 80 કરોડથી વધુ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને 750 મિલિયન લોકો પાસે સ્માર્ટફોન છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ભારતના નાણાકીય સમાવેશ, બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ વિશે દરેકે સાંભળ્યું છે. તાજેતરમાં, અમે આરોગ્ય સેતુ અને CoWin નો ઉપયોગ કરીને ભારત જેવા વિશાળ દેશમાં રસીના 1.1 બિલિયન ડોઝ પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.