- હાલમાં વિદેશ મંત્રી એસ. જયંશકર 5 દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે
- આ દરમિયાન તેઓએ મોદી સરકારના ટીકાકારો પર નિશાન સાધ્યું હતું
- ભારત સરકારની છબીને ખરાબ કરવાનું થઇ રહ્યું છે કાવતરું
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લીધા બાદ હાલ કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર પોતાના પહેલા અમેરિકાના પ્રવાસ પર છે. તેઓ 5 દિવસના અમેરિકાના પ્રવાસ પર છે.
અમેરિકાના પૂર્વ NSA એચ. આર. મેકમાસ્ટરની સાથે ચર્ચા દરમિયાન વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ભારતની વર્તમાન સરકારને નિષ્ફળ બતાવવા માટે એક રાજકીય પ્રયાસ થઇ રહ્યો છે. એસ. જયશંકરે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જે રાજનીતિક કલ્પના કરવામાં આવી રહી છે તેનાથી અલગ જ સ્થિતિ ભારતમાં હાલમાં પ્રવર્તિત છે.
વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને અલગ જ રીતે રજૂ કરવાના અનેક રાજકીય કાવતરાઓ અને ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. હું આને એક રાજકીય પ્રયાસ તરીકે જોઇ રહ્યો છું. આવું પ્રથમ વખત નથી થયું જ્યારે વિદેશ મંત્રીએ મોદી સરકારના ટીકાકારોની બોલતી બંધ કરી હોય.
નોંધનીય છે કે, અગાઉ વિદેશ મંત્રીએ અમેરિકી સમાચાર પત્રના એક રિપોર્ટની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, માત્ર વિપક્ષ જ નહીં, પશ્વિમી મીડિયા પણ કોરોના મહામારી સામેની ભારતની લડતની ટીકા કરી રહ્યું છે. વિદેશી મીડિયાએ ભારતમાં ઑક્સિજન અને રેમડેસિવીરની અછત જેવા મુદ્દાઓને વૈશ્વિક મીડિયામાં ચગાવ્યા હતા.