Site icon Revoi.in

ચીનની ઉંઘ થશે હરામ, અમેરિકાએ બનાવ્યો આ માસ્ટર પ્લાન

Social Share

વોશિંગ્ટન: જાપાનના સમુદ્રથી લઇને પૂર્વ લદ્દાખ સુધી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વલખા મારી રહેલા ચીનની દરેક ચાલ નિષ્ફળ થઇ રહી છે. હવે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ડ્રેગનને પછાડવા માટે કમર કસી છે. અમેરિકાએ ચીનની ઊંઘ હરામ કરતા જાહેરાત કરી છે કે, ઓસ્ટ્રેલિયા, ભારત તેમજ જાપાનની સાથે તે પણ ક્વાડની બેઠકમાં સામેલ થવા જઇ રહ્યું છે. ક્વાડને મીની નાટો તરીકે ઓળખવામાં આવે છે.

આ અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિદેશ મંત્રી એંટની બ્લિંકેન ઓસ્ટ્રેલિયા, ભારત તેમજ જાપાનના વિદેશ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ બેઠક દરમિયાન કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન પર પણ ચર્ચા હાથ ધરવામાં આવશે.

મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે મુક્ત અને સ્વતંત્ર હિંદ-પ્રશાંત બનાવવાનું સંયુક્ત લક્ષ્યાંક તરફ આગળ વધવા અને અમારા કાર્યકાળમાં ઉભા થઇ રહેલા ગંભીર પડકારોનો સામનો કરવા માટે ક્વાડ વિદેશમંત્રીઓ સાથે ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાપાને ચીન પર ગળિયો કસવા આપ્યો હતો આઇડિયા

જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો અબે વર્ષ 2007માં ચીન પર બરાબરનો ગાળિયો કસવા માટે ક્વાડનો આઇડિયા આપ્યો હતો. આ સંગઠન મારફતે તેઓ ચીન વિરુદ્વ શક્તિશાળી સહયોગી શોધી રહ્યાં હતાં. પ્રારંભમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ચીન સાથે દુશ્મનાવટ વ્હોરવાને લઇને આ દિશામાં કોઇ રસ દાખવ્યો નહોતો. પરંતુ સમય જતા બંને દેશો તેમાં સામેલ થયા હતા. ક્વાડ દેશોએ તાજેતરમાં બંગાળની ખાડીમાં નૌકા યુદ્વાભ્યાસ પણ હાથ ધર્યો હતો.

અગાઉ ચીની સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચેતવણી આપી હતી કે, જો બાઇડેન ક્વાડને આગળ વધારીને ગંભીર રણનૈતિક ભૂલ કરી રહ્યાં છે. આ બાબતથી ચીન સાથે ગંભીર રણનૈતિક વિવાદ ઉભો થઇ શકે છે.

(સંકેત)