નવી દિલ્હી: જાપાનમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાને કારણે ટોક્યો ઓલમ્પિક મશાલ રિલેના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. આ સપ્તાહના અંતે દક્ષિણી દ્વીપ ઓકિનાવા ખાતેથી મશાલ રિલે નીકળવાની હતી, પરંતુ કોવિડ-19ના કારણે રવિવારે પ્રાંતના મિયાકોજિમાં ખાતેથી નીકળનારી રિલેને રદ્દ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓકિનાવા દ્વીપના અન્ય ચરણ પહેલાની માફક જારી રહેશે. દ્વીપની બહારની કોઇ વ્યક્તિ ત્યાં આવે તે હિતાવહ નથી, કારણ કે મનુષ્યોના જીવનનો સવાલ છે. 6 સપ્તાહ પહેલા ચાલુ થયેલી મશાલ રિલેમાં 10,000 દોડવીરો ભાગ લેવાના છે.
કોવિડ-19થી પ્રભાવિત ઓસાકા અને માત્સુયામા શહેરને છોડીને તેનું આયોજન લગભગ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ થયું છે. ગત વર્ષે સ્થગિત થયેલી ઓલમ્પિક રમત આ વર્ષે 23 જુલાઈના રોજ ટોક્યો ખાતે યોજાવાની છે. આયોજનને લઈ ભારે અનિશ્ચિતતા છે અને આ સ્થિતિમાં તે કઈ રીતે થશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
આ સાથે જ ટોક્યોમાં 6 દિવસની સ્વિમીંગ ટેસ્ટમાં 46 દેશના 225 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે, તેમાં પ્રશંસકોને આવવાની મંજૂરી નથી અપાઈ. મિસ્ત્રની ટીમના કોચ જાપાન પહોંચ્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા જ્યારે અન્ય સદસ્યો નેગેટિવ આવ્યા છે.
(સંકેત)