તાલિબાને હવે અત્યાધુનિક હથિયારો અને હેલિકોપ્ટર પર કબ્જો કરતા ચિંતા વધી, ભારત માટે પણ ખતરો
- તાલિબાને હવે આધુનિક હથિયાર અને હેલિકોપ્ટરો પર કબ્જો કર્યો
- રશિયાને તેને લઇને ચિંતા વ્યક્ત કરી
- અફઘાનિસ્તાનમાં શરણાર્થી સમસ્યા ગંભીર ચિંતાનો વિષય છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ હવે તાલિબાનીઓ આધુનિક હથિયારો અને સેનાના વાહનો સાથે અફઘાનિસ્તાનમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રશિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ હથિયારોમાં ઘાતક એવી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પણ સામેલ છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સેરગેઇ શોઇગુએ કહ્યું કે, તાલિબાનીઓએ સેંકડો લડાકૂ વાહનો તેમજ યુદ્વ વિમાનો તથા હેલિકોપ્ટરો પર કબ્જો જમાવ્યો છે.
તાલિબાન દ્વારા 100 થી વધુ મેન-પોર્ટેબલ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પર કબજો લેવા પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. અફઘાનિસ્તાનમાં શરણાર્થી સમસ્યા ગંભીર ચિંતાનો વિષય છે. તે ઉપરાંત તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, તાલિબાન એક સમાવેશી સરકાર બનાવશે.
વિદેશી સૈનિકો અને અફઘાન સૈનિકો ડરમાં જે હથિયારો અફઘાનિસ્તાનમાં છોડી ગયા છે તેના પર તાલિબાનીઓએ કબજો કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકામાં નિર્મિત અત્યાધુનિક હથિયારો પણ સામેલ છે. તેનો ઉપયોગ તાલિબાનીઓ આતંક ફેલાવવા માટે કરી શકે છે.
આતંકીઓ યુએસ આર્મીના યુનિફોર્મ અને રાઇફલ્સ સાથે જોવા મળ્યા હતા. તાલિબાન જે નવી સરકાર બનાવી રહ્યું છે તેમાં હક્કાની નેટવર્કના સભ્યનો પણ સમાવેશ થાય છે. આ એ જ હક્કાની નેટવર્ક છે, જે એક સમયે અફઘાનિસ્તાનમાં ભારતનું સૌથી મોટું દુશ્મન રહ્યું છે અને બે વાર ભારતીય દૂતાવાસને પણ નિશાન બનાવ્યું છે.