- સાઉદી અરબમાં કામ કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર
- સાઉદી અરબે અન્ય દેશોમાંથી સાઉદી અરબ આવતા લોકો પરનો પ્રવેશ પ્રતિબંધ ઉઠાવ્યો
- જો કે આ દેશોની યાદીમાં ભારતને સામેલ કરવામાં આવ્યું નથી
નવી દિલ્હી: સાઉદી અરબમાં કામ કરતા લાખો ભારતીયો માટે મહત્વના સમાચાર છે. કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે સાઉદી અરબે ભારતીયોના સાઉદી અરબ આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેથી કોરોના સંક્રમણના પ્રસારને રોકી શકાય, જો કે હવે સાઉદી અરબે આ પ્રતિબંધો ઉઠાવી લીધા છે, જો કે આ દેશોની યાદીમાં ભારત સામેલ નથી. જ્યારે પાકિસ્તાનના લોકો પરથી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનના પીએમ ઇમરાનખાને તાજેતરમાં સાઉદી અરબની મુલાકાત લીધી હતી અને બાદમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સાઉદી અરબે જાહેરાત કરી છે કે, 17મેથી દેશની સીમાઓને અન્ય દેશો માટે ખોલવામાં આવશે. જે લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે અને જેમણે છેલ્લા 6 મહિનાથી ઓછા સમયમાં કોરોનાને માત આપી છે તેવા લોકોને દેશમાં પ્રવેશ કરવા મંજૂરી અપાશે.
જો કે કોરોના સામે હજુ પણ લડત આપી રહેલા દેશોને સાઉદી અરબમાં પ્રવેશ માટે મંજૂરી નથી અપાઇ. આ દેશોમાં ભારત, લિબિયા, સીરિયા, લેબેનોન, યમન, ઇરાન, તુર્કી, આર્મેનિયા, સોમાલિયા, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા અને બેલારુસ સામેલ છે.