- સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે તણાવ
- સાઉદી અરેબિયાએ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર કર્યું બંધ
- આ માટેનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી
નવી દિલ્હી: સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે પણ હવે તણાવ જોવા મળ્યો છે. હકીકતમાં, સાઉદી અરેબિયાએ અચાનક જ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. આ કારણે દુબઇ માટે રવાના થતા પહેલા બેન ગુરિયન એરપોર્ટ પર ઇઝરાયલ એરલાઇન્સની ફ્લાઇટને 5 કલાક મોડું થયું હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઇઝરાયલની ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર સવારે 9 કલાકે ઉડાન ભરવાની હતી પરંતુ સાઉદી અરેબિયાએ જરૂરી પરમિટ આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અલ ઇઝરાયલની ફ્લાઇટ મંગળવારે સાઉદી હવાઇ ક્ષેત્રથી ઉડાન ભરવાની મંજૂરી સાથે દુબઇ માટે રવાના થઇ હતી. સાઉદી અરેબિયાએ શા માટે પરમિટ ના આપી તેને લઇને કોઇ કારણ જાણવા મળ્યું નથી.
સાઉદી અરેબિયાએ નવેમ્બરમાં ઈઝરાયલની ફ્લાઈટ્સને દુબઈ માટે પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે તેમ કહ્યું હતું પરંતુ મંગળવારે તેલ અવીવથી દુબઈની પહેલી ફ્લાઈટ ઉડાન ભરે તેના થોડા કલાક પહેલા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈઝરાયલથી દુબઈ જવા માટે સાઉદી અરેબિયા સિવાયનો રસ્તો પસંદ કરવામાં આવે તો 3ના બદલે 8 કલાકથી પણ વધારે સમય લાગી શકે છે.
અબ્રાહમ સમજૂતી બાદ ઈઝરાયલ અને યુએઈ વચ્ચે તરત જ વાણિજ્યિક ઉડાન શરૂ થઈ ગઈ હતી. આ સમજૂતીના કારણે ઈઝરાયલ અને યુએઈ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા હતા.