- સાઉદી અરેબિયાએ જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવતી 20 રિયાલની નોટ પાછી ખેંચી
- જી 20 શિખર પરિષદ માટે આ નોટ પ્રગટ કરવામાં આવી હતી
- જો કે નોટમાં જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો હોવાથી ભારતે વિરોધ દર્શાવ્યો
- ભારતના વિરોધ બાદ સાઉદી અરેબિયાએ ભૂલ સમજીને આ નોટ પાછી ખેંચી હતી
દુબઇ: સાઉદી અરેબિયાએ જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો ધરાવતી 20 રિયાલની ચલણી નોટ પાછી ખેંચી લીધી હતી અને વધુ નોટો છપાતી અટકાવી દીધી હતી.
આપને જણાવી દઇએ કે જી 20 શિખર પરિષદ માટે આ નોટ પ્રગટ કરવામાં આવી હતી. જો કે ભૂલ સમજાતાં શિખર પરિષદ શરૂ થાય તે પહેલા જ સાઉદી અરેબિયાએ આ નોટ પાછી ખેંચી લીધી હતી. જેથી ગેરસમજ પ્રસરતી અટકી જાય.
આ નોટ પર ભારતનો જે નકશો રજૂ કરાયો હતો એમાં જમ્મૂ કાશ્મીરને અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવાયા હતા. આ બાદ તેનો જોરદાર વિરોધ થયો હતો. બાદમાં સાઉદી અરેબિયાએ પોતાની ભૂલ સ્વીકારીને ચલણી નોટ તરફ પાછી ખેંચી લીધી હતી અને ટંકશાળમાં છપાઇ રહેલી નોટોની છપાઇ પણ અટકાવી દીધી હતી.
આ વખતે જી 20 સમિટના અધ્યક્ષપદે સાઉદી અરેબિયા છે. આ નોટ છપાઇ તેની એક તરફ સાઉદીના કિંગ સલમાનની તસવીર અને જી 20 સમિટનો લોગો છે. બીજી બાજુએ જી 20ના સભ્ય દેશોને દર્શાવતો નક્શો હતો. આ નક્શામાં ભારતનાં જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને ભારત કરતાં જુદાં દર્શાવ્યા હતા. ભારતે તરત આ સામે વિરોધ નોંધાવ્યો હતો.
સાઉદી અરેબિયા ખાતેના ભારતીય રાજદૂત ઔસાફ સૈયદે ભારત વતી વિરોધ કર્યો હતો. ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો સુમેળભર્યા છે એટલે સાઉદી અરેબિયાએ તરત પોતાની ભૂલ સ્વીકારીને 20 રિયાલની નોટ પાછી ખેંચી લીધી હતી.
(સંકેત)