- વર્ષ 2020 કોરોના મહામારી ઉપરાંત સૌથી ગરમ વર્ષોમાં સામેલ
- વર્ષ 2016 પછી સૌથી ગરમ વર્ષ તરીકે 2020ને યાદ રખાશે
- લા નીનાની ઠંડક છતાં 2019 કરતાં 2020નું વર્ષ 0.4 ડિગ્રી ગરમ રહ્યું હતું
બર્લિન: વર્ષ 2020 કોરોના મહામારી ઉપરાંત સૌથી ગરમ વર્ષોમાં પણ સામેલ થયું હતું. વર્ષ 2016 પછી સૌથી ગરમ વર્ષ તરીકે 2020ને યાદ રખાશે. લા નીનાની ઠંડક છતાં 2019 કરતાં 2020નું વર્ષ 0.4 ડિગ્રી ગરમ રહ્યું હતું. ખરાબ વાતાવરણના કારણે વિશ્વમાં 2020ના વર્ષમાં 8200 કરતાં વધુ લોકોનાં મોત થયા હતા.
મ્યુનિક રે નામની કંપની અહેવાલ રજૂ કર્યો હતો કે વાવાઝોડાં, આગ, પૂર, ગરમી તેમજ ઠંડીના કારણે 8200 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે અને તેના કારણે વિશ્વને 210 અબજ ડોલરનું નુકસાન થયું હતું. વર્ષ 2019માં 166 અબજ ડોલરનું નુકસાન થયું હતું. પણ વર્ષ 2019ની તુલનાએ 0.4 ડિગ્રી વધુ ગરમ રહેલાં વર્ષ 2020માં આ નુકસાન ઘણું વધ્યું હતું.
ગરમીના કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ પણ વર્ષ 2020માં વધારે નોંધાઇ હતી. એમાં ઓસ્ટ્રેલિયાની ભયાનક આગ નોંધપાત્ર હતી. અમેરિકામાં સૌથી ભયાનક છ કુદરતી આફતો 2020માં બની હતી. એકલા અમેરિકાને 95 અબજ ડોલરનું નુકસાન 2020ના વર્ષે વાતાવરણને કારણે થયું હતું. ચીનને પૂરના કારણે 17 અબજ ડોલરનું નુકસાન વેઠવું પડ્યું હતું.
અહેવાલ પર નજર કરીએ તો વર્ષ 2016નું વર્ષ ગરમ રહ્યું હતું, પરંતુ વર્ષ 2020માં લા નીના ઇફેક્ટ હોવાથી ઠંડક વધારે નોંધાઇ હતી. તેમ છતાં જો 2020નું વર્ષ સરેરાશ ગરમ રહ્યું છે, તેનો અર્થ એવો છે કે જો લા નીના ઇફેક્ટ ના હોત તો વર્ષ 2020 ગરમીના બધા જ રેકોર્ડ તોડી નાખત.
મહત્વનું છે કે, અગાઉ ભારતના હવામાન વિભાગના અહેવાલમાં કહેવાયું હતું કે, વર્ષ 1901 પછી વર્ષ 2020 સૌથી ગરમ આઠ વર્ષોમાં સામેલ થયું હતું. ભારતમાં પણ બદલાયેલા વાતાવરણને કારણે 1500 લોકોનાં મોત થયા હતા.
(સંકેત)