Site icon Revoi.in

આફ્રિકાના સહારા તેમજ સાઉદી અરેબિયામાં થઇ હિમવર્ષા, બરફનું શ્વેતપડ છવાયું

Social Share

દુબઇ: હાલમાં આફ્રિકાના સહારાના રણમાં તેમજ સાઉદી અરેબિયામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આફ્રિકાના જગવિખ્યાત સહારાના રણમાં જોરદાર હિમવર્ષા થઇ છે જ્યારે સાઉદી અરેબિયામાં લાંબા સમય બાદ પ્રથમવાર ઉષ્ણતાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું થઇ ગયું હતું. રણવિસ્તારની સોનેરી રીતે પર બરફનું શ્વેત પડ છવાઇ ગયું હતું.

વિશ્વભરના મોટા ભાગના વિસ્તારોમાં ડિસેમ્બરની આસપાસ હિમવર્ષા થતી હોય છે જો કે આફ્રિકા અને મિડલ ઇસ્ટના રણ વિસ્તારમાં કદી બરફ પડ્યાનું સાંભળ્યું નથી, જો કે આ વર્ષે આફ્રિકા તેમજ મિડલ ઇસ્ટના રણ વિસ્તારમાં પણ હિમવર્ષા થતા નવાઇની વાત છે.

હાલમાં સહારાની રણની રેતી પર જોવા મળેલી સફેદ ચાદર નિહાળવા માટે વિદેશી પર્યટકોએ ઘસારો કર્યો હતો. તો જીયો ટિવીના એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયાના અસીર વિસ્તારમાં પડેલા બરફને જોવા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પર્યટકોનો ઘસારો નોંધાયો હતો.

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ક્લીપ વાયરલ થઇ હતી જેમાં સાઉદી અરેબિયાના રણ વિસ્તારમાં હિમવર્ષા થતી જોઇ શકાય છે. આરબ ન્યૂઝે મોટા મથાળા સાથે અહેવાલ આપ્યો હતો કે ઇટ્સ સ્નોઇંગ.

આફ્રિકાના સહરાનો રણ વિસ્તાર અને ખાસ તો અઇન સેફરા દરિયાની સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઇએ આવેલું છે અને ચારેબાજુ પહાડી વિસ્તારોથી ઘેરાયેલું છે. નોર્થ આફ્રિકામાં સહરાનું આ રણ દૂર દૂર સુધી વિસ્તરેલું છે. હજારો વર્ષમાં ક્યારેક આવું દ્રશ્ય અહીં જોવા મળે. કુદરતની કમાલ આ વર્ષના જાન્યુઆરીમાં જોવા મળી હોવાના અહેવાલ આંતરરાષ્ટ્રીય મિડિયામાં પ્રગટ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અઇન સેફરા વિસ્તાર અત્યારે સાવ સૂક્કો ભઠ પડ્યો છે પરંતુ 15 હજાર વર્ષ પછી થયેલી હિમવર્ષના પગલે નજીકના ભાવિમાં આ વિસ્તાર હરિયાળીથી ભરેલો થઇ જશે એવું મનાતું હતું. સહારાના રણ વિસ્તારની આસપાસ રહેલા લોકોમાં હિમવર્ષાથી હરખનો માહોલ જોવા મળ્યો હતો.

(સંકેત)